આ એવોર્ડ મારા જીવનની સૌથી ઉત્તમ ગિફ્ટ છેઃ આશા પારેખ

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ આશા પારેખને આ વર્ષનો 68મો દાદા સાહેબ ફાળકે એવોર્ડથી એનાયત થયો હતો. હાલમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં એવોર્ડ મળ્યા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એવોર્ડ મેળવીને બહુ સારું લાગી રહ્યું છે. આ એવોર્ડ મારા જન્મદિવસના બે દિવસ પહેલાં મળ્યો છે. આ 80 વર્ષમાં સૌથી ઉત્તમ ગિફ્ટ છે. આ એવોર્ડ મેળવીને મારી બધી ઇચ્છાઓ પૂરી થઈ ગઈ છે.

પ્રારંભમાં આ એવોર્ડ માટે મારા નામની ઘોષણા થઈ, ત્યારે મને વિશ્વાસ નહોતો થયો, પણ હવે મને લાગે છે કે મને આ એવોર્ડ મળ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

નવી દિલ્હીમાં 30 સપ્ટેમ્બરે એવોર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં વર્ષ 2020ના નેશનલ ફિલ્મ એવોર્ડનો રિપોર્ટ પણ માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરને સોંપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ બધાને એવોર્ડ એનાયત કર્યા હતા.

આશા પારેખની વાત કરીએ તો- તેમનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. તેમણે માત્ર 10 વર્ષની ઉંમરે એક્ટિંગની કેરિયરનો પ્રારંભ કર્યો હતો. તેમણે બોલીવૂડની આશરે 95 ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લે તેમણે 1999માં આવેલી સર આંખો પર ફિલ્મમાં કામ કર્યું હતું. 1992માં તેમને ભારત સરકાર તરફથી દેશનો પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. તેઓ હાલમાં ડાન્સ એકેડેમી ચલાવે છે, જેનું નામ કારા ભવન છે. એ સિવાય તેમની મુંબઈના સાંતાક્રૂઝમાં BCJ હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર પણ ચાલી રહ્યું છે.