સતત સાતમા મહિને GST કલેક્શન રૂ. 1.40 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ સરકારને સપ્ટેમ્બરમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દ્વારા રૂ. 1.40 લાખ કરોડથી વધુની કમાણી થઈ છે. સપ્ટેમ્બર, 2022માં ગ્રોસ GST કલેક્શન રૂ. 1,47,686 કરોડ રહ્યું હતું, એમાં CGST સ્વરૂપે રૂ. 25,271 કરોડ, SGST સ્વરૂપે રૂ. 31,813 કરોડ, IGST સ્વરૂપે રૂ. 80,464 કરોડ (વસ્તુઓની આયાત દ્વારા વસૂલાત કરવામાં આવેલા રૂ. 41,215 કરોડ સહિત) અને સેસ દ્વારા રૂ. 10,137 કરોડની આવક પ્રાપ્ત  થઈ હતી. આમ સતત સાતમા મહિને સરકારને GST કલેક્શન રૂ. 1.40 કરોડથી વધુનું રહ્યું હતું, એમ નાણાં મંત્રાલયે કહ્યું હતું. જોકે કુલ આઠમી વાર GST દ્વારા સરકારને રૂ. 1.40 લાખ કરોડની વધુની આવક થઈ હતી.

ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં GST કલેક્શન ગયા વર્ષના સપ્ટેમ્બર, 2021ની સરખામણીએ GST  કલેક્શન 26 ટકા વધુ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં ચીજવસ્તુઓની આયાતથી થતી આવક 39 ટકા વધુ રહી હતી. જ્યારે સ્થાનિક વ્યવહારોથી થતી આવક વાર્ષિક આધારે 22 ટકા વધુ રહી છે.

GST અધિકારીઓએ વીમા કંપનીની રૂ. 824 કરોડની ટેક્સ ચોરી પકડી પાડી

GST અધિકારીઓએ 15 વીમા કંપની, ઇન્ટરમિડિયરીઝ અને બેન્કોની રૂ. 824 કરોડની ટેક્સ ચોરી પકડી પાડી હતી. આ કંપનીઓ ખોટાં બિલ દ્વારા ટેક્સ-ચોરી કરતી હતી.

આ વિશે માહિતી મળતાં મુંબઈમાં GST ઇન્ટેલિજન્સ અધિકારીઓએ કેટલીક વીમા કંપનીઓ, ઇન્ટરમિડિયરીઝ, માર્કેટિંગ-બ્રાન્ડિંગ કંપનીઓ, NBFC અને બેન્કોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને ટેક્સ ચોરી પકડી પાડી હતી.