પાકિસ્તાનના હાથથી નીકળી જશે POK?

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના લોકોએ ફરી એક વાર પાકિસ્તાન સરકારની વિરુદ્ધ  વિરોધ પ્રદર્શન તેજ કરી દીધું છે. ઘણા સપ્તાહોથી POKના નાગરિકો રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિસ્તારની આર્થિક સ્થિતિ અને વિકાસ ના થતો હોવાને કારણે લોકોમાં આક્રોશ છે. આંદોલનકરી રહેલા દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝડપમાં એક પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાન પોલીસ જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના બેનર હેઠળ થઈ રહેલા પ્રદર્શનોને દબાવવાના પ્રાસ કરી રહી છે. JAACના POKમાં ઘઉં અને વીજળીની ઊંચી કિંમતો અને એલિટ વર્ગના વિશેષાધિકારોને અંતને લઈને બંધની હાકલ કરી હતી. પાકિસ્તાનના વિવાદિત ક્ષેત્રમાં શનિવારે પોલીસ અને નાગરિકોની વચ્ચે ઝપાઝપી થઈ હતી અને વિસ્તારમાં ચક્કાજામ કરી દીધું હતું અને દુકાનો બંધ રાખવામાં આવી હતી.

મીરપુરના વરિષ્ઠ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કામરાન અલીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર અદનાન કુરેશીનું ઇસ્લામગઢ શહેરમાં ગોળી વાગવાથી મોત થયું હતું. કુરેશી ત્યાં અન્ય પોલીસ કર્મચારીઓ સાથે કોટલી અને પુંછ જિલ્લામાં મુઝફ્ફરાબાદ જઈ રહેલી એક રેલીને અટકાવવા માટે તહેનાત હતો. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ POK પર ચિંતા વ્યક્ત કરતાં બધા પક્ષોને સમાધાન માટે શાંતિપૂર્ણ રસ્તો કાઢવા કહ્યું હતું. મુઝફ્ફરાબાદના વિવિધ વિસ્તારોમાં પણ દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનાથી પરિચિત એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિરોધ પાકિસ્તાન સરકારની ખરાબ આર્થિક નીતિઓ અને નજરઅંદાજને કારણે છે.

તેમને છેલ્લાં 70 વર્ષોથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. પેઢીઓથી તેમને આર્થિક રીતે વધવાની મંજૂરી નથી આપવામાં આવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ્સ પર ભારતની વિરુદ્ધ પાકિસ્તાનના રાજકીય એજન્ડા માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.