PM મોદીએ ટ્રમ્પને જીતની શુભેચ્છા આપતાં કહ્યું, મળીને કામ કરીશું

નવી દિલ્હીઃ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવતાં જ વૈશ્વિક નેતાઓએ અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું છે. PM મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે મારા મિત્રને હાર્દિક અભિનંદન તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર. જેમ જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓ પર નિર્માણ કરો છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને આગળ વધારવા માટે ઉત્સુક છું. ચાલો સાથે મળીને આપણા લોકોના ભલા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ.ટ્રમ્પની જીત પર ઓસ્ટ્રેલિયાના PM એન્ટની અલ્બાનીઝે પણ શુભેચ્છાઓ આપી હતી.

ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી આપેલા ભાષણમાં કહ્યું હતું કે મેં આવો જશ્ન પહેલાં નથી જોયો. તેઓ દેશને સુરક્ષિત કરવા માટે બધું કરશે. તેમણે મેક અમેરિકા ગ્રેટ અગેનનું સૂત્ર આપતાં કહ્યું હતું કે હું દરેક ક્ષણ અમેરિકા માટે કામ કરીશ. મારું બધું અમેરિકા માટે સમર્પિત છે. હું દરેક નાગરિક, તમારા માટે તમારા પરિવાર માટે અને તમારા ભવિષ્ય માટે લડીશ.

PM નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સારા મિત્રો છે. દુનિયાએ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી ઘણી વખત જોઈ છે. PM મોદી વર્ષ 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ટ્રમ્પને મત આપવાની અપીલ કરી હતી. જોકે તે ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો.