ભારત-ચીન વિવાદ મામલે મોદી સારા મૂડમાં નથીઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ ભારત અને ચીન વચ્ચે સરહદ મામલે તંગદિલી સર્જાઈ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિષયમાં ગઈ કાલે ફરી નિવેદન કર્યું. વ્હાઈટ હાઉસના ઓવલ કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે મોટું ઘર્ષણ ચાલુ છે. આ બંને દેશમાં કુલ મળીને 1.4 અબજ લોકો રહે છે. બંને દેશ પાસે શક્તિશાળી સૈન્ય છે. ભારત ખુશ નથી. ચીન પણ ખુશ નથી. મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ચીન સાથે જે કંઈ થઈ રહ્યું છે એનાથી પીએમ મોદી સારા મૂડમાં નથી.’

આમ કહીને ટ્રમ્પે ફરી વાર કહ્યું હતું કે પોતે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે. ‘જો એમને લાગે કે મારી મધ્યસ્થતાથી મદદ મળી શકે છે તો હું એમ જરૂર કરીશ,’ એમ ટ્રમ્પે કહ્યું.

એક પત્રકારના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મને આપના વડા પ્રધાન ગમે છે. એ સારા માનવી છે. મેં એમની સાથે વાત કરી છે.

ટ્રમ્પે આ બીજી વાર ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. ગયા બુધવારે એમણે એક ટ્વીટ દ્વારા આવી ઓફર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ લડાખમાં ગેલવાન ખીણવિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે. બંને દેશના સૈન્ય વચ્ચે આ તંગદિલી છે. પહેલા ચીનના સૈનિકો હેલિકોપ્ટર લઈને ભારતીય સીમાની અંદર ઘૂસી આવ્યા હતા પછી ગેલવાન ખીણવિસ્તાર અને પેંગોંગ ત્સો સરોવર નજીક ‘ફિંગર એરિયા’માં બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતા.