અમેરિકાના WHO સાથેના તમામ સંબંધ ખતમઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ અને હોંગકોંગને લઈને ગુસ્સે ભરાયેલા અમેરિકાએ ચીનની સામે નવો મોરચો માંડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પર ચીને કબજો કર્યો હોવાનો આરોપ લગાવતાં આ UN આરોગ્ય સંસ્થાથી અમેરિકાના તમામ સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી છે. તેમણે ચીનની સામે નવા પ્રતિબંધ પણ જાહેર કર્યા હતા. આમાં હોંગકોંગમાં વહીવટ માટે જવાબદાર ચીની અધિકારીઓના અમેરિકામાં આવાગમન પર પ્રતિબંધો લાગુ કરવાની સાથે કેટલીક છૂટછાટને ખતમ કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે ચીન પર તીખો હુમલો કર્યો

ચીન પર તીખો હુમલો કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંદર્ભે ચીની અધિકારીઓએ WHOને રિપોર્ટિંગની પોતાની જવાબદારીને નજરઅંદાજ કરી છે અને વિશ્વને ગેરમાર્ગે કરીને WHO પર દબાણ આણ્યું હતું.ચીનમાં પહેલી વાર થયેલી કોરોના વાઇરસની ઓળખ પછી અત્યાર સુધી લાખ્ખો લોકોનાં મોત થયાં છે અને બહુ ભારે આર્થિક નુકસાન થઈ ચૂક્યું છે.

ચીનની WHO પર પકડ

વાઇટ હાઉસમાં ઉચ્ચ અધિકારીઓની સાથે મિડિયા સમક્ષ ટ્રમ્પે કહ્યું હતું કે WHO પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ છે. જ્યારે ચીન WHOને માત્ર ચાર કરોડ ડોલરનો ફાળો આપે છે, જ્યારે અમેરિકા 45 કરોડ ડોલરનો ફાળો આપે છે. WHOની વહીવટમાં સુધારાનો હવાલો આપતાં તેમણે કહ્યું હતું કે આ બાબતે જરૂરી સુધારાને લાગુ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ અમારી વિનંતી પર કોઈએ ધ્યાન ના આપ્યું અને ના તો જરૂરી સુધારાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી., જેથી અમેરિકાએ WHOથી સબંધો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા પોતાના પૈસાનો ઉપયોગ વિશ્વ આરોગ્ય માટે અન્ય યોજનાઓ દ્વારા કરશે. તેમણે 19 મેએ WHOને ધમકી આપી હતી કે જો 30 દિવસોમાં સુધારા નહીં કરે તો WHOમાં અમેરિકાના સભ્યપદની પુનવિચારણા કરવામાં આવશે. તેમણે WHOને આ મુદ્દે એક પુત્ર પણ લખ્યો હતો.

વાઇરસ વુહાનથી નીકળી યુરોપ-અમેરિકામાં ફેલાયો

તેમણે ચીનને કોરોના વાઇરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવતાં માગ કરી હતી કે એવું કેવી રીતે થયું કે વુહાનથી નીકળેલો વાઇરસ બીજિંગ અથવા ચીનના અન્ય હિસ્સામાં જવાને બદલે યુરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયો?  તેમનું કહેવું હતું કે આ વાઇરને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે અને ચીને વિશ્વને આનો જવાબ આપવો પડશે

સીમા વિવાદ અને ચીન સાથે મતભેદો

ટ્રમ્પે ચીન સાથેનો સીમા વિવાદ અને દક્ષિણ ચીન સમુદ્રમાં મતભેદોનો મુદ્દો  ઉઠાવવા સાથે હોંગકોંગને બહાને ચીનને સંકજામાં લીધી હતું.તેમણે ચીન પર વચનપરસ્તી અને છેતરપિંડીનો આરોપ લગાવતાં કેટલાક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આ સંદર્ભે તેમણે ચીનના કેટલાક લોકોને સુરક્ષા માટે જોખમ ગણાવતાં મહત્ત્વની યુનિવર્સિટીમાં રિસર્ચ સંસ્થાઓ પર આવવા પર મનાઈ ફરમાવી હતી. તેમણે ચીની કંપનીનાં અમેરિકામાં નાણાકીય કામકાજની તપાસ કરવાના આદેશ આપ્યા હતા..

 

હોંગકોંગ મુદ્દે ચીનની વધતી નિગરાની અને જાસૂસી સામે સવાલો

હોંગકોંગ મુદ્દે ચીનને સાણસામાં લેતાં ટ્રમ્પે ચીનના એ વહીવટી તંત્રના લોકોના અમેરિકામાં આવાગમન પર પ્રતિબંધનું એલાન કર્યું હતું. આ સંબંધે તેમણે હોંગકોંગમાં અત્યાર સુધી અપાતી વેપારની છૂટછાટોને પરત લેવાની જાહેરાત કરતાં અમેરિકાના વિદેશ વિભાગની ટ્રાવેલ એડવાઇઝરીમાં પણ બદલાવ કરવાનો નિર્ણય લીધો હતો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]