વિશ્વમાં કોરોના વાઇરસનું હબ બની ગયું અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકા વિશ્વમાં કોરોના વાઇરસનું હબ બની ગયું છે. અમેરિકામાં કોવિડ-19થી અત્યાર સુધી એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. ન્યુ યોર્કમાં હાલત બેકાબૂ છે, જ્યા દેશના કુલ 22 ટકા કેસો છે. ન્યુ યોર્કમાં આશરે 30,000 લોકોનાં મોત થયાં છે.

પાછલા 24 કલાકમાં નવા 16,700 કેસો

અમેરિકામાં કોરોના રોગચાળો સતત વિકરાળ રૂપ લેતો જાય છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસથી મરનારા લોકોની સંખ્યા સત્તાવાર રીતે વધીને 1,00,396 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ પાછલા 24 કલાકમાં કુલ 16,700 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધીને 17.3 લાખે પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 3.72 લાખ લોકો આ બીમારીને માત આપવામાં સફળ થયા છે.

વિશ્વના એક તૃતીયાંશ કોરોના કેસો અમેરિકામાં  

વિશ્વભરના આશરે એક તૃતીયાંશ કોરોના દર્દીઓ અમેરિકામાં જ છે. ન્યુ યોર્ક, ન્યુ જર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા છે.

વિશ્વમાં કોરોનાના 56 લાખ કેસો

વિશ્વભરમાં કોરોનાના કેસની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય મુજબ વિશ્વભરમાં અત્યાર સુધી કોવિડ-19ના કુલ 56 લાખ 90,000 કેસો છે, જ્યારે મોતનો આંકડો 3.56 લાખે પહોંચ્યો છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 23.50 લાખ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.