વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની ફર્સ્ટ લેડી જિલ બાઈડને બુધવારે સાંજે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે) અત્રે એમનાં સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બાઈડને મોદીજીના માનમાં વ્હાઈટ હાઉસ ખાતે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું. એમની સાથે યૂએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
બાઈડન દંપતી અને મોદીજી વચ્ચે વિશેષ ભેટસોગાદની આપ-લે થઈ હતી. મોદીએ ફર્સ્ટ લેડી જિલને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. આ હીરો પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે એના નિર્માણમાં સૌર અને પવન ઊર્જા જેવા પર્યાવરણ-વિવિધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોદીએ પ્રમુખ બાઈડનને કોલકાતાના કારીગરોએ બનાવેલી ભગવાન ગણેશની એક મૂર્તિ અને ચાંદીનો દીવડો, રાજસ્થાનમાં હાથથી બનાવેલા 24-કેરેટ હોલમાર્કવાળા સોનાના સિક્કા સહિત 10 ચીજ ગિફ્ટમાં આપી છે. મોદીએ બાઈડનને કર્ણાટકના મૈસુરુના કારીગરોએ ચંદન (સુખડ)ના લાકડામાંથી બનાવેલું એક વિશિષ્ટ બોક્સ પણ ગિફ્ટમાં આપ્યું હતું. એમાં ચાંદીની 10 નાની ડબ્બીઓ અને ભગવાન ગણપતિની મૂર્તિ અને ચાંદીનો એક દીવો પણ છે. મોદીએ બાઈડનને બીજી અનેક ચીજો પણ ભેટમાં આપી હતી, જેમાં પંજાબનું ચોખ્ખું ઘી, મહારાષ્ટ્રમાં નિર્મિત ગોળ, ઉત્તરાખંડના ચોખા, તામિલનાડુનું તેલ, ગુજરાતનું નમક (મીઠું), પશ્ચિમ બંગાળના કારીગરોએ બનાવેલું ચાંદીનું નાળિયેર સમાવેશ થાય છે. બાઈડનને તે ઉપરાંત અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યીટ્સના અનુવાદ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પણ ભેટમાં આપી છે. યીટ્સ 80 વર્ષીય બાઈડનના ફેવરિટ કવિ છે. તેઓ એમના સંબોધનમાં અવારનવાર યીટ્સની પંક્તિઓનો ઉલ્લેખ કરતા હોય છે.
જિલ બાઈડને મોદીને 20મી સદીના આરંભની એક હસ્તનિર્મિત અમેરિકી પુસ્તક ગેલી ભેટ આપી છે. તો પ્રમુખ બાઈડને એમને વિન્ટેજ અમેરિકન કેમેરા આપ્યો છે. તે ઉપરાંત અંગ્રેજી કવિ રોબર્ટ ફ્રોસ્ટના હસ્તાક્ષર સાથે એમના કાવ્યસંગ્રહનું પુસ્તક પણ ભેટમાં આપ્યું છે.