ભારતે UNમાં આતંકવાદી સાજિદ મીરનો ઓડિયો સંભળાવ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે ચીનનો પ્રેમ ફરી એક વાર જગજાહેર થયો છે. ચીનને કારણે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં લશ્કરે તૈયબાના આતંકવાદી સાજિદ મીર ફરી એક વાર વૈશ્વિક આતંકવાદી જાહેર નથી થયો, જેને લઈને ભારતે UNમાં ચીનને આડે હાથ લીધું હતું. ભારતે UNમાં જ ચીનને ઉઘાડું પાડી દીધું હતું. ભારતે આતંકવાદી સાજિદ મીરની એક ઓડિયો ક્લિપ UNમાં ચલાવી દીધી હતી, જેને ત્યાં બધાએ સાંભળી હતી.UNમાં ભારતે જે ઓડિયો ક્લિપ સંભળાવી છે, એમાં આતંકી સાજિદ મીર સાથી આતંકવાદીઓથી ગોળી ચલાવવાની વાત કહેતાં સાંભળી શકાય છે. તે મુંબઈ હુમલાના આતંકવાદીઓને કહી રહ્યો છે કે કોઈ પણ વિદેશી વ્યક્તિ જીવતો બચીને ના જાય. બધા વિદેશીઓને મારી નાખો. જ્યારે તે વાત પૂરી કરે છે, ત્યારે બીજો આતંકવાદી ફોન પર બોલે છે… ઇન્શાઅલ્લા.

મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ UNમાં આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીનની આ હરકતથી 26/11ના પીડિતોને હજી સુધી ન્યાય નથી મળ્યો.

આતંકવાદી સાજિદ મીર વર્ષ 2008માં થયેલા મુંબઈ હુમલાનો આરોપી છે, જેમાં 166 લોકોનાં મોત થયાં હતાં. મુંબઈ હુમલામાં તેની ભૂમિકા જોતાં અમેરિકાએ પણ તેના પર 50 લાખ ડોલર (આશરે 41 કરોડ રૂપિયા)નું ઇનામ રાખ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે સાજિદ મીરને પાકિસ્તાને સાત વર્ષ પહેલાં 2016માં મૃત ઘોષિત કર્યો હતો, પણ પાકિસ્તાનની આતંકવાદીવિરોધી કોર્ટે સાજિદ મીરને ટેરર ફન્ડિગ મામલે 15 વર્ષની સજા સંભળાવી હતી, પરંતુ ચીન અને પાકિસ્તાન તેમનાં ષડયંત્રોથી બાજ નથી આવતાં.