ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફ (78)નું લાંબા સમયની માંદગી બાદ દુબઈમાં નિધન થયાની આજે પાકિસ્તાનમાંથી અફવા ઉડી હતી. પાકિસ્તાનના ‘વક્ત ન્યૂઝ’ને ટાંકીને ‘ઈન્ડિયા ટૂડે’એ અહેવાલ આપ્યો હતો. બાદમાં એવો અહેવાલ આવ્યો હતો કે મુશર્રફનું નિધન થયું નથી. તેઓ ગંભીર રીતે બીમાર છે અને દુબઈની હોસ્પિટલમાં છે. ત્યાં એમને ત્રણ અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા છે. એમના સાજા થવાની કોઈ આશા નથી, કારણ કે એમના ઘણા અવયવો કામ કરતા બંધ થઈ ગયા છે. એમના પરિવારે સ્પષ્ટતા કરી છે કે મુશર્રફને ન તો ઓક્સિજન પર રખાયા છે કે ન તો એ વેન્ટિલેટર પર છે.
સત્તા છૂટી ગયા બાદ મુશર્રફ સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા હતા અને વિદેશમાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બીમાર છે. 1999માં મુશર્રફે લશ્કરી બળનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં સત્તા કબજે કરી હતી.
