પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો આતંક ઉદ્યોગના પ્રવક્તાઃ વિદેશપ્રધાન

નવી દિલ્હીઃ વિદેશપ્રધાન એસ જયશંકરે પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર અને પ્રવક્તા કહ્યા છે. તેમની આ ટિપ્પણી ગોવામાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોના વિદેશપ્રધાનોના બેઠક પછી આવી છે.

તેમણે કહ્યું હતું કે ભુટ્ટો ઝરદારી SCO સભ્ય દેશના વિદેશપ્રધાન તરીકે આવ્યા હતા. એ બહુપક્ષી કૂટનીતિનો હિસ્સો છે ને અમે એનાથી વધુ કાંઈ જોતા નથી. પાકિસ્તાનના આતંકવાદથી સામૂહિક રૂપે લડવાનું આહવાન કરતાં તેમણે કહ્યું હતું કે આતંકવાદના પીડિત આતંકવાદ પર ચર્ચા કરવા માટે એના અપરાધીઓ સાથે નથી બેસી શકતા. જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો હતો, છે અને હંમેશાં રહેશે. તેમણે કહ્યું હતું કે પ્રગતિ માટે કનેક્ટિવિટી સારી છે, પણ ક્ષેત્રીય અખંડતા અને રાષ્ટ્રોની અખંડતાનું ઉલ્લંઘન નથી કરી શકતા.

SCOની બેઠકમાં બંને વિદેશ પ્રધાનો વચ્ચે દ્વિપક્ષી બેઠક નથી થઈ. આતંકવાદ પર પાકિસ્તાનની વિશ્વસનીયતા, તેની વિદેશી કરન્સી કરતાં પણ ઝડપથી ઘટી રહી છે. પાકિસ્તાને લોન લેવા માટે ઘેરેઘેર કટોરો લઈને ફરવું પડે છે.મારું કહેવું છે કે પાકિસ્તાનનું G20થી કોઈ લેવાદેવા નથી. તેમનું શ્રીનગરથી પણ કોઈ લેવાદેવા નથી. કાશ્મીર પર ચર્ચા કરવા માટે માત્ર એક જ મુદ્દો છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરથી એ પોતાનો ગેરકાયદે કબજો ક્યારે હટાવશે. તેમણે SCOની બેઠકમાં આતંકવાદથી લડવા માટે એકજૂટ પ્રયાસોનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદથી આંખ બંધ કરવી એ SCO માટે ખરાબ થશે, એમ તેમણે કહ્યું હતું.

 

 

,