તમે કોને મત આપ્યો? આ પ્રશ્ન પૂછશો તો થશે જેલ અને આર્થિક દંડ

ઈસ્લામાબાદ- આ ભારત નહીં પાકિસ્તાન છે. અહીં આ વખતે ચૂંટણીમાં મતદાન પછી એ પ્રશ્ન પુછવામાં આવશે કે, ચૂંટણીમાં તમે કોને મત આપ્યો તો પ્રશ્ન પુછનારાએ જેલમાં જવું પડી શકે છે. અને અાર્થિક દંડ પણ કરવામાં આવી શકે છે.પ્રથમ નજરે આ પ્રશ્ન ઘણો નાનો અને સરળ જણાઈ રહ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આવો પ્રશ્ન પૂછવો ભારે પડી શકે છે. આ પ્રશ્ન પુછનારાને જેલ થઈ શકે છે અથવા રુપિયા એક લાખનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. અને જો નસીબ ખરાબ હશે તો જેલ અને આર્થિક દંડ બન્નેનો ભોગ બનવું પડી શકે છે.

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કેટલાક એવાં કાર્યો છે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું પ્રતિબંધિત કાર્ય કરશે તો તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને તેની સામે કાનૂની પગલાં લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.