અમેરિકામાં આકાશમાં બે તાલીમી વિમાન અથડાયાં; ભારતીય તરુણીનું મૃત્યુ

વોશિંગ્ટન – અમેરિકામાં આકાશમાં બે નાનકડા તાલીમી વિમાન અથડાતાં 3 જણનાં મરણ નિપજ્યાં છે એમાં 19 વર્ષની ભારતીય તરુણી – નીશા સેજવાલનો પણ સમાવેશ થાય છે.

આ દુર્ઘટના ગઈ કાલે બની હતી. બંને વિમાન એક ફ્લાઈટ સ્કૂલના હતા અને તે ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં અથડાયા હતા.

બંને વિમાનને ટ્રેઈની પાઈલટ ચલાવતા હોવાનું મનાય છે. તે માયામી નજીક ફ્લોરિડા એવરગ્લેડ્સ પરના આકાશમાં સામસામા અથડાયા હતા.

આ બે વિમાન હતા – પાઈપર PA-34 અને સેસ્ના-172. બંને વિમાન માયામી શહેરની ફ્લાઈટ સ્કૂલ, ડીન ઈન્ટરનેશનલના હતા. 2007થી 2017 વચ્ચેના દાયકામાં માયામીમાં આવા બે ડઝનથી વધુ અકસ્માતો થયા હતા.

પોલીસે જણાવ્યું છે કે મૃત્યુ પામેલી ત્રણ વ્યક્તિ છે – નિશા સેજવાલ, જોર્ગ સાન્ચેઝ (22) અને રાલ્ફ નાઈટ (72).

નિશા સેજવાલ 2017ના સપ્ટેંબરમાં ફ્લાઈટ સ્કૂલમાં જોડાઈ હતી એવું તેના ફેસબુક પેજ પરથી જાણવા મળ્યું છે.

તૂટી પડેલા વિમાનનો કાટમાળ એવી જગ્યાએ પડેલો દેખાયો છે જ્યાં માત્ર એરબોટ્સ દ્વારા જ જઈ શકાય છે.

બે મૃતક એક નાનકડા વિમાનના કાટમાળની નજીક પડેલા દેખાયા હતા જ્યારે ત્રીજો મૃતદેહ બીજું વિમાન જ્યાં પડ્યું હતું એની નજીક દેખાયો હતો.

દુર્ઘટનાસ્થળે પ્રકાશ બહુ ઝાંખો હોવાને કારણે શોધખોળ કે બચાવ કામગીરી ગઈ કાલે જ સસ્પેન્ડ કરી દેવી પડી હતી.

ડેનિયલ મિરોલીસ નામના એક માણસે વિમાનોને અથડાતા એની નજરે જોયા હતા. તે એક નહેરની નજક માછલી પકડતો હતો ત્યારે એણે તે અથડામણ જોઈ હતી. એણે કહ્યું કે એની નજર આકાશમાં હતી ત્યાં એણે બંને વિમાનને અથડાતાં જોયા હતા અને એણે તરત જ પોતાના સેલફોન વડે આકાશમાંથી નીચે પડતા વિમાનના કાટમાળનો વિડિયો રેકોર્ડ કરી લીધો હતો. એણે કહ્યું કે, મેં એક મોટો ધમાકો સાંભળ્યો હતો.

ડીન ઈન્ટરનેશનલની વેબસાઈટ પર જણાવાયું છે કે તે વિદ્યાર્થી પાઈલટ્સને પ્રાઈમરી ઈન્સ્ટ્રક્શન આપે છે તેમજ પ્રાઈવેટ તથા કમર્શિયલ પાઈલટ્સને એડવાન્સ્ડ ઈન્સ્ટ્રક્શન્સ આપે છે તથા મલ્ટી-એન્જિન ફ્લાઈટ્સ માટે ટ્રેઈનિંગ આપે છે.