પાકિસ્તાન: ચૂંટણી સુધી નવાઝ-મરીયમને જેલમાં જ રહેવું પડશે

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, તેમની પુત્રી મરીયમ નવાઝ અને જમાઈએ દાખલ કરેલી અપીલ પર સુનાવણી જુલાઈના છેલ્લા સપ્તાહ સુધી મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફે ભ્રષ્ટાચારના કેસમાં તેમને દોષી ઠેરવતા ચુકાદા સામે અપીલ કરી છે. હવે સુનાવણી જુલાઈના છેસ્સા સપ્તાહ સુધી મોકુફ રહેવાને કારણે ચૂંટણી પહેલા જેલની બહાર આવી પાર્ટી માટે પ્રચાર કરવાની નવાઝ શરીફની ઈચ્છાઓ પાણી ફરી વળ્યું છે.પાકિસ્તાનમાં 25 જુલાઈએ સામાન્ય ચૂંટણીઓ યોજાશે અને નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાનના મુસ્લિમ લીગ નવાઝ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના જલદી છૂટવાની રાહ જોઈ રહી હતી. નવાઝ શરિફ, તેમની પુત્રી મરીયમ નવાઝ અને જમાઈ કેપ્ટન (નિવૃત્ત) મોહમ્મદ સફદરે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી.

ન્યાયાધિશ મોહસીન અખ્તર કયાની અને ન્યાયાધિશ મિયાંગુલ હસન ઔરંગઝેબની બે સભ્યોની બેન્ચે નવાઝ શરીફની અપીલ પર સુનાવણી કરી હતી. અને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોને નોટિસો જારી કરી હતી. સાથે જ કેસ સાથે જોડાયેલા રેકોર્ડ્સ રજૂ કરવાનો આદેશ આપ્યો.