ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વેપારી વર્ગના લોકોએ વડા પ્રધાન શહબાઝ શરીફને વેપારને પ્રોત્સાહન આપવા માટે ભારતની સાથે વાટાઘાટ શરૂ કરવાની વિનંતી કરી છે. તેમણે શરીફ સાથે એક સંવાદ સત્રમાં આ આગ્રહ કર્યો હતો. વેપાર શરૂ થવાની રોકડના સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના અર્થતંત્રને ઘણો લાભ થશે, એમ વેપારીઓએ કહ્યું હતું.
સિંધ CM હાઉસમાં બુધવારે એક કલાકની બેઠકમાં વેપારીઓએ અનેક મોટા સવાલ ઊભા કર્યા. કરાચીના વેપારી સમાજે આર્થિક મુદ્દાથી નીપટવા માટે વડા પ્રધાનના દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી હતી, પરંતુ તેમણે અર્થતંત્ર માટે રાજકીય સ્થિરતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. વડા પ્રધાને નિકાસ દ્વારા અર્થતંત્રને ઉપર લાવવા માટે ઉપાયો શોધવા માટે વેપારી સમાજની સાથે બેઠક કરી હતી.
હબીબ ગ્રુપના પ્રમુખે વડા પ્રધાનને ભારત સાથે વેપાર વાટાઘાટ શરૂ કરવા પણ કહ્યું હતું. મારું સૂચન છે કે તમે કેટલીક વધુ સમજૂતી કરો અને એમાંથી એક ભારતની સાથે વેપારને લઈને છે, જેનાથી અર્થતંત્રને ઘણો લાભ થશે, એમ તેમણે કહ્યું હતું, એમ ડોનનો અહેવાલ કહે છે.
ભારતે પાંચ ઓગસ્ટ, 2019માં આર્ટિકલ 370ને દૂર કરતાં અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષી સંબંધ તૂટી ગયા હતા. ભારતના નિર્ણય પછી બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો પણ ઓછા થયા હતા અને ભારતીય એમ્બેસેડરને ત્યાંથી કાઢી મૂક્યા હતા. એ પછી પાકિસ્તાને ભારત સાથેના સીધા વેપારી સંબંધ પણ ખતમ કર્યા હતા.