ઈસ્લામાબાદ- પાકિસ્તાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદના સંયુક્ત સત્રમાં તેમના પ્રથમ ભાષણમાં જ ‘કશ્મીર રાગ’ આલાપ્યો હતો. સંસદમાં બોલતાં આરિફ અલ્વીએ કહ્યું કે, કશ્મીરની જનતાને ‘સ્વ-નિર્ણય’ કરવાનો અધિકાર છે. વધુમાં અલ્વીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને કશ્મીર મુદ્દે મદદ કરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે.પાકિસ્તાની મીડિયાએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો હવાલો આપીને જણાવ્યું હતું કે, ‘અમે કશ્મીર મુદ્દાનું શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવવા ઈચ્છીએ છીએ. અને તેના માટે પ્રયાસ ચાલુ રાખશું. આપને જણાવી દઈએ કે, પીએમ ઈમરાન ખાનના નજીકના સહયોગી અને પાકિસ્તાનમાં વર્તનામ સત્તારુઢ પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સંસ્થાપક સદસ્યોમાંના એક આરિફ અલ્વીએ સંસદના સંયુક્ત સત્રમાં પ્રથમ વખત સંબોધન કર્યું હતું. અલ્વી 9 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના 13માં રાષ્ટ્રપતિ બન્યા હતા.
પાકિસ્તાનના પ્રમુખ અખબારના જણાવ્યા મુજબ અલ્વીએ કહ્યું કે, ‘કશ્મીર મુદ્દે એક-બીજા પર આરોપ પ્રત્યારોપ કરવાને બદલે તેઓ ઈચ્છે છે કે, સરકાર દરેક સ્તર પર પોતાના પ્રયાસ ચાલુ રાખે’. વધુમાં અલ્વીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા પણ મહત્વપૂર્ણ છે. જેના માટે પાકિસ્તાન તેના પ્રયત્નો ચાલુ રાખશે. જેથી કશ્મીરીઓને તેમના અધિકારોથી વંચિત રહેવું ન પડે.