CPEC પર ઈમરાનના સવાલ બાદ ચીન પહોંચ્યા પાક. આર્મી ચીફ

બિજીંગ- પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના આર્થિક સલાહકાર દ્વારા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર (CPEC) સવાલ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સેના પ્રમુખ ત્રણ દિવસની રાજકીય મુલાકાતે ચીનની રાજધાની બિજીંગ પહોંચ્યા છે. આ પહેલાં ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂત દ્વારા પાકિસ્તાનના આર્થિક સલાહકારને બોલાવવામાં આવ્યા હતા.પાકિસ્તાની સેના પ્રમુખની ચીન યાત્રા દરમિયાન ચીની નેતૃત્વનો પ્રયાસ પાકિસ્તાનમાં 60 બિલિયન ડોલરના રોકાણથી કરવામાં આવી રહેલા આર્થિક કોરિડોર પ્રોજેક્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન સરકાર સામે આર્થિક સલાહકારે અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની કંપનીઓના હિતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ થોડા દિવસો માટે મોકૂફ રાખવો જોઈએ.

ઉપરોક્ત દલીલ રજૂ કરતાં પાકિસ્તાનના આર્થિક બાબતોના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકારે CPECના પ્રોજેક્ટ પર ઓછામાં ઓછું એક વર્ષ માટે કામ બંધ કરવું જોઈએ. આ ઉપરાંત એક સલાહ એવી પણ આપી હતી કે, જો ઈમરાન ખાન સરકાર માટે શક્ય હોય તો CPEC પ્રોજેકક્ટને આગામી પાંચ વર્ષ માટે ટાળી દેવો જોઈએ.

હવે જોવાનું એ રહેશે કે, પાકિસ્તાની સેના પ્રમુખના ચીન પ્રવાસથી પરત ફર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ચીન સાથેના ઈકોનોમિક કોરિડોર અંગે શું વલણ અપનાવે છે. નવા પાકિસ્તાનના સૂત્રનો અમલ કરતાં ઈમરાન ખાન પાકિસ્તાનની કંપનીઓના હિતને ધ્યાનમાં રાખશે કે પછી તેની પહેલાની સરકારની જેમ અગાઉના નિર્ણયોને યથાવત રાખવાની મજબૂરીનો સામનો કરશે.