ઈસ્લામાબાદ- ક્રિકેટના મેદાનથી પાકિસ્તાનના રાજકારણ સુધીની સફર અને હવે પાકિસ્તાનના વડાપ્રધાનનો તાજ જેના શિરે સજવાનો નક્કી થઈ ગયો છે તે ઈમરાન ખાનની આગામી રાજનીતિ કેવી રહેશે તેને લઈને ચર્ચાઓનો દોર શરુ થઈ ગયો છે. આતંકવાદ, કશ્મીર અને ભારત મુદ્દે ઈમરાન ખાનની રાજનીતિ કેવી રહેશે તે પણ એક મુખ્ય મુદ્દો માવનવામાં આવી રહ્યો છે. હાલમાં તો જાણકારો માની રહ્યાં છે કે, ઈમરાન ખાન ભારત સાથે સંબંધો સુધારવાના પક્ષધર હોય તેમ જણાઈ રહ્યું છે.25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને તેના ચૂંટણી પ્રચારમાં ‘નયા પાકિસ્તાન’નો ઉલ્લેખ કર્યો હતો. જેથી હવે એ અંગે પણ ચર્ચા શરુ થઈ છે કે, ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન કેવું હશે?
વિશેષ કરીને આતંકવાદ, કશ્મીર અને ભારત મુદ્દે ઈમરાન ખાનનો દ્રષ્ટિકોણ કેવો રહેશે તે પણ મહત્વનું છે. ઈમરાન ખાન અનેકવાર ભારત વિરુદ્ધ બોલ્યા છે. તો અનેકવાર પાકિસ્તાનમાંથી આતંકવાદનો સફાયો કરવા અને ભારત સાથે સંબંધો સુધારવાની પણ વાત કરતા રહ્યાં છે.
મહત્વની વાત એ છે કે, ઈમરાન ખાન અનેક મુદ્દે ભરતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કાર્યશૈલીના વખાણ પણ કરતા રહ્યાં છે. એક વખત જ્યારે ઈમરાન ખાને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે ઈમરાન ખાને તેમના વખાણ કર્યા હતાં અને પીએમ મોદીથી ઈમરાન ખાન ઘણા પ્રભાવિત પણ જોવા મળ્યા હતા.