ઇસ્લામાબાદઃ પાકિસ્તાની શાહબાઝ સરકાર માટે ખાલી ખજાનો આફતનું કારણ બની ગયો છે. બીજી બાજુ, સતત ઘટતા અર્થતંત્રની વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. છેલ્લાં આશરે 70 વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી છે. મોંઘવારીનો દર 13.4 ટકાએ પહોંચ્યો છે. અહીં 10 કિલોગ્રામ લોટની કિંમત આશરે રૂ. 900એ પહોંચી છે. લોકોને એક લિટર દૂધ રૂ. 150એ મળી રહ્યું છે.
પાકિસ્તાનમાં ખાણીપીણીની ચીજોનો મોંઘવારીનો દર 17 ટકાથી વધુ છે. છેલ્લા છ મહિનામાં પેટ્રો પદાર્થોની કિંમતમાં 28.6 ટકાનો વધારો થયો છે. એપ્રિલમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બે વર્ષની ઊંચી સપાટીએ 13.37 ટકાએ પહોંચ્યો છે.
પાકિસ્તાન સરકારના નાણાપ્રધાન મિફતાહ ઇસ્માઇલે સાઉદી અરેબિયા સરકાર પાસે મદદ માટે ધા નાખી છે. તેમણે સાઉદી અરેબિયાને આજીજી કરતાં કહ્યું છે કે એ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનમાં જમા આશરે રૂ. 23,000 કરોડની ડિપોઝિટને ના ઉપાડે. પાકિસ્તાનની ફોરેન કરન્સીનું રિઝર્વ ઘટીને રૂ. 78,000 કરોડ જ છે. આવામાં પાકિસ્તાનને આયાતનું બિલ ચૂકવવા વિદેશી કરન્સી રિઝર્વ રાખવી જરૂરી છે. પાકિસ્તાનમાં શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો 15.98 ટકા અને ગ્રામીણ ક્ષેત્રોમાં 18.23 ટકા વધ્યો છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાએ દેશની આવી હાલત માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારને દોષી ઠેરવી હતી.
બીજી બાજુ, પાકિસ્તાનને અમેરિકા અને ચીનથી કોઈ મદદ નથી મળી રહી. પાકિસ્તાનમાં બનેલી સ્થિતિ પર ચીને રૂ. 19,000 કરોડ આપવાનું વચન આપ્યું હતું, પણ એ રકમ હજી સુધી પાકને નથી મળી. વળી, ચીને હવે પાકને મદદ આપવાનો પણ ઇનકાર કર્યો છે.