શું ભારત ક્વાડથી બહાર થશે?

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. આ યુદ્ધમાં ભારતનું તટસ્થ વલણ અમેરિકાને ખટકી રહ્યું છે. એ માટે અમેરિકા અનેક વાર ભારતને ઠમઠોરી ચૂક્યું છે. રશિયાની ઘેરાબંધી કરીને અમેરિકા અને પશ્ચિમી દેશોએ ભારતની સામે સખત વલણ અપનાવ્યું છે. બાઇડન વહીવટી તંત્રએ કેટલીય વાર સ્પષ્ટ કર્યું છે કે ભારતનું વલણ અમેરિકી કાર્યવાહીને પ્રભાવિત કરી રહ્યું છે. જેથી ભારતના આ વલણને કારણે અમેરિકા ક્વાડની વ્યૂહરચનામાં ફેરફાર કરે એવી શક્યતા છે. એ આશંકા છે કે ક્વાડમાં ભારતને બદલે દક્ષિણ કોરિયાને લેવામાં આવે. જોકે ચીન આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આવામાં સવાલ એ ઊભો થાય છે કે શું અમેરિકા આ પ્રકારનું પગલું ભરી શકે? શું ભારત ક્વાડથી બહાર થશે?

બીજી બાજુ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ યુને એલાન કર્યું છે કે તેમનો દેશ વિસ્તારિત ક્વાડનો સભ્ય બનવા માટે તત્પર છે. દક્ષિણ કોરિયા ક્વાડમાં આવ્યા પછી પણ ભારત વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતો બીજો દેશ છે. દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિએ એ પણ સંકેત આપ્યા હતા કે તેઓ અમેરિકાની હવાઈ સંરક્ષણ સિસ્ટમને પોતાને ત્યાં લગાવવા માટે તૈયાર છે.

અમેરિકાની બાઇડન સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ. જયશંકર સહિત અનેક નેતાની સાથે મુલાકાત કરીને ભારતને રશિયા સાથેના સંબંધોને લઈને ચેતવણી પણ આપી હતી. જેથી બંને દેશો વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે.