વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરનાર દેશોની યાદીમાં પાકિસ્તાન અને ચીનને પણ અન્ય આઠ દેશોની યાદીમાં સામેલ કર્યા. પોમ્પિઓએ એક નિવેદનમાં મ્યાનમાર, ઇરિટ્રિયા, ઇરાન, નાઇજિરિયા, ઉત્તર કોરિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની સાથે પાકિસ્તાન અને ચીનને ધાર્મિક રીતે લઘુમતી કોમોનાં લોકોની ધાર્મિક આઝાદીનું પદ્ધતિસર કે અન્ય પ્રકારના ઉલ્લંઘન કરતા દેશોની યાદીમાં મૂક્યા છે.
વિદેશ મંત્રાલયે કોમોરોસ, ક્યુબા, નિકારાગુઆ અને રશિયાને એક વિશેષ દેખરેખની યાદી (SWL)માં મૂક્યા છે, જ્યાં સરકારો ‘ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘન’ને ચલાવી લે છે. તેમણે કહ્યું હતું કે ‘ધાર્મિક સ્વતંત્રતા’ એક અધિકાર છે અને આધાર છે, જેના પર મુક્ત સમાજ નિર્મિત થઈને ફૂલેફાલે છે. પોમ્પિઓએ કહ્યું હતું કે આવશ્યક એવી ધાર્મિક સ્વતંત્રતા મેળવવા ઇચ્છતા લોકોનો બચાવ કરવા માટે ફરી એક વાર આ પગલું ભર્યું છે.
અમેરિકાએ અલ શબાબ, અલ-કાયદા, બોકો હરમ, હયાત તહરીર અલ-શામ, હૌથિસ, આઇએસઆઇએસ, આઇએસઆઇએસ-ગ્રેટર સહારા, આઇએસઆઇએસ-પશ્ચિમ આફ્રિકા, જમાત નસ્ર અલ ઇસ્લામ વાલ મુસ્લિમિન અને તાલિબાનને વિશેષ ચિંતાના રૂપે નામિત કર્યા છે. તેમણે કહ્યું હતું કે સુડાન અને ઉઝબેકિસ્તાનની સરકારોએ મહત્ત્વપૂર્ણ સુધારા કરતાં એમને વિશેષ દેખરેખની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તેમના કાયદા અને સાહસિક સુધારા અન્ય રાષ્ટ્રો માટે દ્રષ્ટાંત સમાન છે.