ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓનો અંત જ નથી આવતો. દેશમાં લોટની ભારે તંગી વચ્ચે હવે પાકિસ્તાનમાં ખાંડની કિંમતો આકાશ આંબી રહી છે. રોજીંદા જીવનનિર્વાહ માટે અત્યંત જરૂરી લોટ અને ખાંડની વધતી જતી કિંમતોને પગલે હવે ઈમરાન ખાને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. ઈમરાન ખાને લોટ અને ખાંડની કિંમતોની વધતી કિંમતોની તપાસ કરીને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ મામલે ઈમરાન ખાને ટ્વીટ કર્યું છે.
લોટ અને ખાંડની વધતી જતી કિંમતોને પગલે હવે પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે, એક સામાન્ય રોટીની કિંમત 12થી 15 રૂપિયા થઈ ગઈ છે. ઈમરાન સરકારના 15 મહિનાના કાર્યકાળમાં ખાંડની જથ્થાબંધ કિંમતો હવે 74 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. બજાર નિષ્ણાંતોના મતે આગામી સપ્તાહ સુધીમાં ખાંડની કિંમતો 80 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જશે. તો બીજી તરફ પાકિસ્તાનના મોટા શહેરો કરાચી, હૈદરાબાદ અને લાહૌરમાં લોટની કિંમતો 70 રુપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.
ખાંડની વધતી કિંમતો છતાં ઈમરાન સરકારે હજુ સુધી નિકાસ પર પ્રતિબંધ નથી લગાવ્યો. જેથી હવે એવી આશંકા ઉભી થઈ છે કે, જો નિકાસ પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો ખાંડની કિંમત પ્રતિ કિલો 100 રુપિયા થઈ શકે છે. મહત્વનું છે કે, અગાઉ પરવેઝ મુશર્રફના કાર્યકાળમાં ખાંડની કિંમતો 105 રુપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.
લોટ અને ખાંડ પછી હવે પાકિસ્તાનમાં ગેસની કિંમતોમાં પણ 5 ટકાની વૃદ્ધિ થવા જઈ રહી છે. લોટની અછત પૂરી કરવા પાકિસ્તાન સરકારે ત્રણ લાખ ટન ઘંઉની આયાત કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં લોટની અછતની શરુઆત ગયા મહિને ખૈબર પુખ્તુનખ્વા પ્રાંત અને સિંધથી થઈ હતી. પેટ્રોલની કિંમતોનો વિરોધને પગલે ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. જેથી સિંધમાં લોટની સપ્લાઈ અટકી ગઈ હતી.