908 લોકોને ભરખી ગયો કોરોનાઃ ચીને આપી સત્તાવાર વિગતો

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. અનેક લોકો મોતને ભેટ્યા છે અને હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીનનો વુહાન પ્રાંત લગભગ ખાલી થઈ ગયો છે, કારણ કે આ જગ્યાએ સૌથી વધારે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. વુહાનના રસ્તાઓ સુમસામ થઈ ગયા છે અને હજારો લોકોને અત્યારે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બંધ રુમોમાં કોરોના વાયરસને કારણે હજારો લોકો પુરાઈ ગયા છે અને એકદમ દર્દભર્યું જીવન જીવી રહ્યા છે અને કેટલાક લોકોને ખ્યાલ આવી જ ગયો છે કે મૃત્યુ નજીક આવી ગયું છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં 27 જેટલા વિદેશી લોકો કોરોના વાયરસથી પ્રભાવિત છે. આમાંથી બે લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ગત સપ્તાહે વુહાનની એક હોસ્પિટલમાં ભરતી થયેલા એક અમેરિકી નાગરિકનું મોત થયું હતું. આ ચીનમાં વાયરસને લઈને મૃત્યુ પામનારો પ્રથમ વિદેશી વ્યક્તિ હતો. બાદમાં અન્ય એક વિદેશી નાગરિકનું મોત થયું છે.  

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આજે આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના વાયરસની મહામારીના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 908 પર પહોંચી ગઈ છે. તો કોરોના વાયરસનો ચેપ જે લોકોને લાગ્યો છે, તેમની સંખ્યા 40,000 થી વધારે થઈ ગઈ છે. મહત્વનું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલા જ વાયરસના પ્રકોપને ધ્યાને રાખતા વૈશ્વિક મેડિકલ ઈમરજન્સી જાહેર કરી ચૂક્યું છે.