લંડનઃ ગેરકાયદેસર હાઉસ પાર્ટી કરનાર 34ને દંડ

લંડનઃ ભયાનક અને જાગતિક કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી લાગુ કરાયેલા આરોગ્ય-સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરીને શહેરના એક વિસ્તારમાં રવિવારની મધરાતે હાઉસ પાર્ટી કરનાર 34 જણને પોલીસે દંડ ફટકાર્યો છે.

ઈવનિંગ સ્ટાન્ડર્ડ અખબારના અહેવાલ અનુસાર, લંડનના મેફેરમાં ડોવર સ્ટ્રીટ ખાતેના બંગલામાં પાર્ટી ચાલતી હોવાની ફરિયાદ મળતાં પોલીસે મધરાતે 1.50 વાગ્યે ત્યાં દરોડો પાડ્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં ભેગા થઈને લોકો સંગીત વગાડતા હતા અને આલ્કોહોલ પીતા હતા. પોલીસે હેલ્થ પ્રોટેક્શન નિયંત્રણો અંતર્ગત 34 જણને દંડ ફટકાર્યો હતો. પાર્ટીના આયોજકને 10 હજાર પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે ઈંગ્લેન્ડમાં ત્રીજું કોરોના-લોકડાઉન ચાલુ છે. સરકાર દ્વારા નિયંત્રણોને હળવા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ સાથોસાથ દરેક જણ બિનજરૂરી જોખમ ન ઉઠાવે એનું પણ ધ્યાન રાખે.