ન્યૂજર્સી (અમેરિકા): સુર સમ્રાટ તરીકે જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ 90 વર્ષના હતા. પંડિત જસરાજના પુત્રી દુર્ગા જસરાજે જાણકારી આપી કે સ્થાનિક સમય મુજબ સોમવારે સવારે 5.15 વાગ્યે એમના પિતાએ આખરી શ્વાસ લીધો હતો.
મેવાતી ઘરાનાના ગાયક પંડિત જસરાજની સંગીત-ગાયકીની કારકિર્દી 80 વર્ષ લાંબી હતી.
આયુષ્ય દરમિયાન એમણે ‘પદ્મવિભૂષણ’, ‘પદ્મશ્રી’, સંગીત નાટક અકાદમી, મારવાડ સંગીત રત્ન પુરસ્કાર સહિત અનેક મોટા પુરસ્કારો મેળવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને એમની સાથેની પોતાની એક તસવીરને ટ્વિટર પર શેર પણ કરી છે.
પંડિત જસરાજનો જન્મ 1930ની 28 જાન્યુઆરીએ થયો હતો.
એ જ્યારે 22 વર્ષના હતા ત્યારે કાઠમંડુમાં પ્રથમ સોલો સંગીત મહેફિલમાં પરફોર્મ કર્યું હતું. એમણે રાગ મુલતાની અને શિવ ભજનો ગાયા હતા. દર્શકોએ એમને ખૂબ બિરદાવ્યા હતા અને એ સંગીત મહેફિલ નિયમિત યોજાતી રહી. 2014માં પણ પંડિત જસરાજે નેપાળમાં શાસ્ત્રીય સંગીતના પ્રેમીઓ માટે સોલો પરફોર્મન્સ રજૂ કર્યો હતો.
એમનો પરિવાર ચાર પેઢીથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને એક-એકથી ચડિયાતા શિલ્પી પ્રદાન કરવાનું ગૌરવ ધરાવે છે. પંડિત જસરાજના પિતા પંડિત મોતીરામ પણ મેવાતી ઘરાનાના વિશિષ્ટ સંગીતજ્ઞ હતા.