ઈસ્લામાબાદ: પાકિસ્તાનને હવે આ મુશ્કેલ ઘડીમાં દુનિયાનો કોઈ જ દેશ આર્થિક મદદ કરવા તૈયાર નથી. વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જ દાવો કર્યો છે કે, એકેય દેશ કે એકેય વૈશ્વિક સંસ્થા આ મુશ્કેલીના સમયમાં અમારી આર્થિક મદદે આવ્યા નથી. આર્થિક રીતે બેહાલ પાકિસ્તાન પર કોરોનાનો બેવડો માર પડી રહ્યો છે. પાકિસ્તાને પહેલાથી જ આઈએમએફ અને વર્લ્ડ બેંક પાસેથી અબજો ડૉલર ફંડ મેળવી પોતાનું અર્થતંત્ર જેમ તેમ કરીને આગળ ધપાવી રહ્યો છે અને તેવામાં હવે કોરોના વાઈરસે તેની કમર તોડી નાખી છે.
પ્રભાવશાળી લોકો અને પત્રકારો સાથે વાતચીત કરતા ઈમરાન ખાને કહ્યું કે, મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈ દેશે કે વૈશ્વિક સંગઠને એક ડોલરની પણ મદદ કરી નથી. જોકે, આઈએમએફ દ્વારા પાકિસ્તાનને લોન રિપેન્ટમાં રાહત આપવામાં આવી છે, એમ ઈમરાન ખાને કહ્યું.
આવનારો સમય પણ પાકિસ્તાન અને ઈમરાન ખાન માટે મુસીબત બનવાનો છે, કારણ કે એકેય દેશ મદદ કરવા માટે તૈયાર નથી. થોડાં દિવસ પહેલાં જ ઈમરાને વૈશ્વિક સમુદાયને અપીલ કરી હતી કે નબળા દેશોનું ઋણ માફ કરી દેવું જોઈએ. મહામારી પછી જે સ્થિતિનું નિર્માણ થશે તે સમગ્ર વિશ્વ અને પાકિસ્તાન માટે એક મોટી પરીક્ષા હશે. પાકિસ્તાનમાં ઘરવિહોણા લોકોને લોકડાઉનથી સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે અને હાલ વિદેશી પાકિસ્તાનીઓ તરફથી પણ કોઈ મદદ નથી મળી રહી.