નવાઝ શરીફ ચાર વર્ષ પછી પાકિસ્તાન પરત ફર્યા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની ચાર વર્ષ બાદ આજે ઘરવાપસી થઈ છે. 2019થી શરીફ લંડનમાં રહેતા છે. તેઓ લાહોરમાં જનસભાને સંબોધિત કરશે. 73 વર્ષીય શરીફને એવેનફીલ્ડ ને અલ-અજીજિયા મામલામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તોશાખાના મામલે તેમને અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ આ કેસોમાં જામીન પર હતા. તેઓ 2019માં સારવાર માટે UK ચાલ્યા ગયા હતા.

 ગુરુવારે પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટે નવાઝ શરીફની ધરપકડ પર સ્ટે લગાવ્યા બાદ તેમનો પાકિસ્તાન પાછા ફરવાનો માર્ગ મોકળો થયો હતો. શરીફ આજે લંડનથી પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચ્યા છે.વર્ષ 2018માં કોર્ટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવીને તેમને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી તેમને સારવાર માટે વિદેશ જવા માટે 2019માં કોર્ટે મંજૂરી આપી હતી. ત્યાર પછી શરીફ લંડનમાં જ રહેતા હતા.

તેમના સ્વાગતમાં એરપોર્ટ પર તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના હજારો કાર્યકરો ઊમટી પડ્યા હતા. શરીફના ભાઈ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ કાર્યકરોને નવાઝ શરીફનુ ભવ્ય સ્વાગત કરવા માટે અપીલ કરી હતી.

શરીફ 1976થી રાજનીતિમાં સક્રિય છે અને 1981માં તે પંજાબ રાજ્યના નાણાં મંત્રી બન્યા હતા. 1985માં તેઓ સીએમ પણ બન્યા હતા. એ પછી પાકિસ્તાન મુસ્લિમ લીગ સાથે તેમણે છેડો ફાડ્યો હતો અને પોતાની પાર્ટી  પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની સ્થાપના કરી હતી.

1990માં તેઓ પહેલી વખત પાકિસ્તાનાન વડા પ્રધાન બન્યા હતા. જોકે રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાન સાથે ટકરાવને પગલે રાષ્ટ્રપતિએ તેમને ભ્રષ્ટાચારના મામલામાં વડા પ્રધાનપદેથી હટાવી દીધા હતા. 1997માં તેઓ ફરી પાકિસ્તાના વડા પ્રધાન બન્યા હતા. તેમના આ કાર્યકાળમાં કારગિલ વોર થયું હતું. આ યુદ્ધના માસ્ટર માઇન્ડ ગણાતા આર્મી ચીફ પરવેઝ મુશરફે નવાઝ શરીફ પાસે સત્તા આંચકી લીધી હતી.