ફરાળી ઢોસા તેમજ ચટણી

નવરાત્રિના ફરાળમાં ટેસ્ટી ચટપટો ફરાળી ઢોસો બનાવી જુઓ. જે ઈન્સ્ટન્ટ બની જાય છે.

સામગ્રીઃ

  • સામો 1 કપ
  • સાબુદાણા ¼ કપ
  • ખાટું દહીં 1 કપ
  • લીલાં મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ધોઈને ઝીણી સમારેલી ½ કપ
  • કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન

ફરાળી ચટણીઃ

  • શીંગદાણા 2 ટે.સ્પૂન
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલાં મરચાં 3,
  • દહીં 2 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • સ્વાદ મુજબ સિંધવ મીઠું, સાકર સ્વાદ મુજબ (optional)

રીતઃ સામો તેમજ સાબુદાણાને મિક્સીની નાની જારમાં કરકરા દળી લો. તેમાં દહીં ઉમેરીને મિક્સ કરી લો. તેમાં થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને એકદમ પાતળું પણ છાશ કરતાં થોડું જાડું એવું ખીરું બનાવી લો. 10 મિનિટ ખીરું રહેવા દો.

મિક્સીમાં શીંગદાણા, આદુ, લીલાં મરચાં, કોથમીર, સ્વાદ મુજબ સિંધવ મીઠું તેમજ દહીં ઉમેરીને ફરાળી ચટણી બનાવી લો.

દસ મિનિટ બાદ ઢોસાના ખીરામાં આદુ ખમણીને મેળવો અને લીલાં મરચાંના નાના ગોળ ટુકડા કરીને ઉમેરો તેમજ ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ સિંધવ મીઠું અને મરીનો પાઉડર પણ મેળવી દો. જો ખીરું ઘટ્ટ થઈ ગયું હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને થોડું પાતળી ખીરું કરી લો.

એક નોનસ્ટીક તવો ગરમ કરી લો. હવે એક કડછી વડે ખીરું તવામાં બહારથી અંદર એમ ફરતે રેડી દો. ગેસની આંચ મધ્યમ કરીને ચાર મિનિટ સુધી ઢોસો થવા દો. ઉપર ચમચી વડે થોડું તેલ રેડીને ઉપર જાડીવાળો ઢોસો થોડો બ્રાઉન કલરનો દેખાવા માંડે એટલે ઢોસો ઉતારી લો.

ગરમા ગરમ ઢોસો ચટણી સાથે પીરસો. સાથે ફરાળી બટેટાની સૂકી ભાજી પણ પીરસી શકાય છે.