જિનેવા/નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં વડાં વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-19ની રસીઓને મિક્સ કરવી જોખમી ટ્રેન્ડ છે અને એને કારણે ગૂંચવણો ઊભી થઈ શકે છે, કારણ કે આ વિષયમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને પર્યાપ્ત માહિતી ઉપલબ્ધ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, કેનેડા તથા યૂરોપના કેટલાંક દેશોએ એમના નાગરિકોને જુદી જુદી કોરોના-રસીઓનાં ડોઝ લેવાની પરવાનગી આપી છે. પત્રકારો સાથે એક ઓનલાઈન વાતચીતમાં ડો. સ્વામીનાથને કહ્યું છે કે રસીઓનાં ડોઝને મિક્સ કરવાના વિષયમાં અભ્યાસો હજી ચાલુ છે. એનું પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હાલને તબક્કે અમારી પાસે માત્ર ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝરની રસીઓ વિશેનો ડેટા ઉપલબ્ધ છે.