US, UK સહિત અનેક દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લાદ્યા

વોશિંગ્ટનઃ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી વિશ્વના દેશો મોસ્કો પર સતત કડક પ્રતિબંધ લગાવી રહ્યા છે. અમેરિકા, બ્રિટનની સાથે યુરોપિયન યુનિયન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને તાઇવાન જેવા દેશો પણ સામેલ છે.  વિશ્વભરના નેતા  ક્રેમલિન પર દબાણ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ, રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવની આશરે પહોંચી ચૂકી છે અને કેટલાક યુક્રેનના શરણાર્થી પડોશી દેશોમાં શરણું લઈ ચૂક્યા છે.

અમેરિકાએ ચાર રશિયાની બેન્કો પર નાણાકીય મદદ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત રશિયાના સાંસદોના અમેરિકા પ્રવાસ પરપણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત અમેરિકાએ વીજ ક્ષેત્રે ગંપ્રોમ અને 12 અન્ય મુખ્ય કંપનીઓને પશ્ચિમી નાણાકીય બજારોમાંથી મૂડી ઊભી કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે. યુરોપિયન યુનિયને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશપ્રધાન લાવરોવ પર પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

યુનિયનના ક્ષેત્રના 27 દેશોમાં રશિયાના નાગરિકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.બ્રિટને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને તેમના વિદેશપ્રધાન સર્ગેઇ લાવરોવની બધી સંપત્તિઓને ફ્રીઝ કરવાના અને પોતાના હવાઈ ક્ષેત્ર પરથી એના વિમાનોને પસાર થવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. કેનેડાએ રશિયાને સ્વિફ્ટ ચુકવણી પદ્ધતિથી દૂર કરવાના સંકેત આપ્યા હતા, જે વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમનો મહત્ત્વનો હિસ્સો છે. તેમણે કહ્યું હતું કે પુતિનના આક્રમણે પ્રોત્સાહન આપવા બેલારૂસ પર પ્રતિબંધોને મંજૂરી આપવામાં આવે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને પણ વધુ આકરા પ્રતિબંધો લગાવવાનું એલાન કર્યું હતું. જોકે ભારત અત્યાર સુધી પ્રતિબંધોમાં સામેલ થવાથી બચતું રહ્યું છે.