નેપાળની ચીન સાથે વધી રહેલી નિકટતા ભારત માટે ચિંતાનો વિષય

કાઠમાંડૂ- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રાને હજી થોડા દિવસ જ વિત્યાં છે, ત્યારે નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલીએ જાહેરાત કરી છે કે, તેઓ આગામી મહિને ચીનના પ્રવાસે જશે. આપને જણાવી દઈએ કે, નેપાળના વડાપ્રધાનનો ચીન પ્રવાસ 5 દિવસનો રહેશે. જે 19 જૂનથી શરુ થશે. મહત્વનું છે કે, ભારતના મિત્ર દેશ ગણાતા નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલીને ચીનના પક્ષધર માનવામાં આવે છે. જેથી ચીન સાથે નેપાળની વધી રહેલી નિકટતા ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે.આશ્ચર્યની વાત એ છે કે, આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ નેપાળના વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ કે.પી. શર્મા ઓલીનો આ બીજો ચીન પ્રવાસ છે. ગત 17 મેના રોજ કાઠમાંડૂમાં ચીનના દૂતાવાસે સત્તાવાર રીતે કે.પી. શર્મા ઓલીને ચીન આવવા માટે આમંત્રિત કર્યા હતાં.

નેપાળના સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ચીને નેપાળના પીએમને બિજીંગ ઉપરાંત સિચુઆન અને તિબેટ પ્રાંતમાં આવવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. નેપાળમાં ચીનના રાજદૂત, નેપાળના વડાપ્રધાન પહેલા આ વિસ્તારનો પ્રવાસ કરી ચુક્યા છે. તેમણે ગત સપ્તાહે કાઠમાંડૂમાં નેપાળના વિદેશપ્રધાન શંકરદાસ બૈરાગી સાથે નેપાળના પીએમની યાત્રાના એજન્ડા અંગે મુલાકાત પણ કરી હતી.

તેમના ગત ચીન પ્રવાસ દરમિયાન નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ચીન સાથે ટ્રાન્ઝિટ અને ટ્રાન્સપોર્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર માટે પ્રોટોકોલ પર આ વખતના પ્રવાસ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]