કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બને એવી શક્યતા

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી રહ્યો છે. આ વર્ષની પાંચ નવેમ્બરે અહીં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. ચૂંટણીથી પહેલાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓ તરફથી પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનની વચ્ચે ડિબેટ થઈ હતી. આ ડિબેટમાં બાઇડન પર ટ્રમ્પ ભારે પડ્યા હતા. આ ડિબેટ પછી ચર્ચા છે કે જો બાઇડને રાષ્ટ્રપતિપદની દોડમાંથી હટી જવું જોઈએ.

વળી, એક સર્વેક્ષણમાં જણાવા મળ્યું હતું કે ભારતીય-આફ્રિકી મૂળનાં અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ જો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભાં રહેશે તો જો બાઇડનની તુલનામાં તેમની જીતની સંભાવના વધુ છે. બાઇડન (81)ની દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકેની સ્વીકૃતતિના રેટિંગમાં ટ્રમ્પ સામે થયેલા વાદવિવાદમાં નિરાશાજનક દેખાવ પછી ઘટ્યું છે.

અમેરિકી રાજકારણના વિશ્લેષક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાઇડનને ડિમેન્શિયાની બીમારી છે. તેમણે મેઇનસ્ટ્રીમ મિડિયા પર દેશમાં એ સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એ પણ દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં ડેમોક્રેટ કમલા હેરિસને રાષ્ટ્રપતિ બનાવી શકે છે.

તેમણે X પર દાવો કર્યો હતો કે ડેમોક્રેટિક પાર્ટીના અનેક નેતાઓએ સૂચન કર્યું છે કે તેમનું માનસિક સંતુલન ઠીક નથી, તેમને દૂર કરવા જોઈએ. તેમણે બહુ જલદી નિર્ણય લેવો જોઈએ.


એક સર્વે અનુસાર ટ્રમ્પ લોકપ્રિયતાને મામલે બાઇડનથી છ પોઇન્ટ આગળ છે. આ સર્વેમાં 47 ટકા રજિસ્ટર્ડ મતદાતાઓએ ટ્રમ્પને ટેકો આપ્યો હતો, જ્યારે 45 ટકા હેરિસના સમર્થક છે. જેથી તેમને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવામાં આવે તો તેઓ ટ્રમ્પને જોરદાર ટક્કર આપશે.