કોરોના-કેસ વધશે તોય દેશવ્યાપી-લોકડાઉન લાગુ નહીં કરું: બાઈડન

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસના કેસ વધશે તોય એની સામેની લડાઈમાં દેશવ્યાપી લોકડાઉનનો ઓર્ડર નહીં આપું. દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું પડે એવા કોઈ સંજોગો મને જણાતા નથી. મારા મતે એ પ્રતિકૂળ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના કેસો વધે તો રાજ્યો અને શહેરો એમની પોતપોતાની રીતે નિયંત્રણો લાગુ કરે છે. ચેપગ્રસ્ત લોકોને એમના ઘરમાં જ રહેવાનું કહે છે, ઈન્ડોર ડાઈનિંગ સુવિધા પણ બંધ કરી દે છે અને જાહેર સ્થળોએ એકત્ર થતા લોકોની સંખ્યા પર કાપ મૂકી દે છે.

અમેરિકામાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 2,51,000થી વધારે લોકો માર્યા ગયા છે અને કેસોની સંખ્યાનો આંક 1 કરોડ 16 લાખને પાર ગયો છે. વિશ્વમાં બીજા કોઈ દેશમાં કોરોના સંબંધિત આટલો મોટો મરણાંક નોંધાયો નથી.