લેબેનોનમાં ઇઝરાયેલી સેનાઃ હિજબુલ્લાનાં અનેક સ્થાનોનો ખાતમો

નવી દિલ્હીઃ ઇઝરાયેલે હિઝબુલ્લાને સંપૂર્ણ રીતે ખતમ કરવાની યોજના બનાવી છે. હવે દક્ષિણી લેબેનોનમાં ઇઝરાયેલી ડિફેન્સ સેનાએ (IDF) ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઇઝરાયેલ તરફથી અમેરિકાને આ માહિતી આપવામાં આવી છે. IDF ઇઝરાયેલી સરહદની નજીક હિજબુલ્લાનાં સ્થાનોને નિશાન બનાવી રહી છે.

IDFએ જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા સરહદ સાથેનાં ગામોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. આ હુમલાઓ ગુપ્ત માહિતીને આધારે કરવામાં આવી રહ્યા છે. આમાં ઈઝરાયલની એરફોર્સ તેમની મદદ કરી રહી છે.અમેરિકાના વિદેશ મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું હતું કે જો ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયલની સેના લેબનનમાં પ્રવેશી છે. ત્યાર બાદ ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે 33 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં 1100થી વધુ લેબનીઝ માર્યા ગયા હતા. તે જ સમયે ઇઝરાયલના 165 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઇઝરાયલની સેનાએ લેબેનોનના દૌદિયા શહેરમાં એક ઘર પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 10 લોકોનાં મોત થયા છે. પાંચ લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો એક જ પરિવારના છે.

આ પહેલાં ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગેલેંટ 30 સપ્ટેમ્બરે લેબેનોન સરહદ પાસે સૈનિકોને મળ્યા હતા. ગેલેંટે કહ્યું કે જે પણ કરવાની જરૂર છે, એ અમે કરીશું. અમે આકાશ, જળ અને જમીન દ્વારા દુશ્મનોને હરાવવા માટે અમારી પૂરી તાકાત લગાવી દઈશું.લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 95 લોકો માર્યા ગયા હતા. 172 લોકો ઘાયલ પણ થયા છે. આ પહેલાં રવિવારે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 105 લોકો માર્યા ગયા હતા.