તેલઅવિવઃ પડોશના ગાઝા સ્ટ્રીપમાં અંકુશ જમાવનાર હમાસ ઉગ્રવાદી જૂથ સાથે ઈઝરાયલ સરકારે ચાર-દિવસનું યુદ્ધવિરામ કર્યું છે. યુદ્ધવિરામની સમજૂતીને વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂની આગેવાની હેઠળ ઈઝરાયલના પ્રધાનમંડળે આજે મંજૂર રાખી છે. આ સમાધાન મુજબ, હમાસ ઉગ્રવાદીઓ ગાઝા શહેરમાં એમણે બંદી બનાવેલા 240માંથી 50 જણને છોડી મૂકશે અને તેના બદલામાં ઈઝરાયલ સરકાર તેની જેલોમાં પૂરેલા કેટલાક પેલેસ્ટીનિયનોને છોડી દેશે.
આ સમાધાનને પગલે છ અઠવાડિયાથી ચાલતું ભયાનક યુદ્ધ કામચલાઉ અટકી જશે, પણ આ યુદ્ધવિરામ ક્યારથી અમલમાં આવશે તે હજી સ્પષ્ટ થયું નથી.
ઈઝરાયલની સરકારે કહ્યું છે કે પ્રત્યેક 10 બંધકને છોડી મૂકાશે તેમ યુદ્ધવિરામને ઈઝરાયલ એક-એક દિવસ લંબાવશે. સૌથી પહેલાં મહિલાઓ અને બાળકોને છૂટા કરવાના રહેશે. યુદ્ધવિરામનો સમય પૂરો થશે તે પછી ઈઝરાયલના સૈનિકો હમાસ પર આક્રમણ ફરી શરૂ કરશે.