નવી દિલ્હીઃ હમાસની સાથે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઇઝરાયેલે ભારતથી એક લાખ બાંધકામ ક્ષેત્રના શ્રમિક તત્કાળ મોકલવાની વિનંતી કરી છે. ઇઝરાયેલની બાંધકામ ક્ષેત્રની કંપનીઓએ સરકારથી એક લાખ ભારતીય શ્રમિકોની ભરતી કરવાની મંજૂરી માગી છે. આ શ્રમિકોને પેલેસ્ટાઇનના શ્રમિકોની જગ્યાએ રાખવામાં આવશે, એમ અમેરિકા મિડિયાનો અહેવાલ જણાવે છે.
ઇઝરાયેલમાં પેલેસ્ટાઇન મજૂરો કામ કરી રહ્યા છે, પણ હમાસના હુમલા પછી કંપનીઓએ આ શ્રમિકોને હટાવી દીધા છે. હાલ ઇઝરાયેલમાં બાંધકામ પ્રવૃત્તિ ઠપ પડી છે. જોકે કેટલાક ચીની મજૂરો કામ કરી રહ્યા છે, પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે. બાંધકામ ક્ષેત્રે કામમાં વેગ લાવવા માટે સરકાર અને કંપનીઓ ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે.ઇઝરાયેલની સરકાર ભારતીય શ્રમિકોને ત્યાં કામ પર રાખવા માટે સમજૂતી પહેલાં જ કરી ચૂકી છે. મે મહિનામાં ઇઝરાયેલના વિદેશપ્રધાન એલી કોહેને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ ભારતથી 42,000 શ્રમિકો ઇઝરાયેલ મોકલવામાં આવશે. એમાંથી 34,000 બાંધકામ ક્ષેત્ર માટે હશે. ભારતીય શ્રમિકો માટે ઇઝરાયેલના બાંધકામ ક્ષેત્રે કામ કરવાની આ પહેલી તક છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ફરી એક વાર ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ માનવીય કારણોથી ગાઝા પર હુમલાને વિરામ આપવા અને બંધકોને છોડી મૂકવાની સંભાવના પર ચર્ચા કરી હતી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાત ઓક્ટોબરથી યુદ્ધ જારી છે, જેમાં આશરે 11,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
