ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાં હોળી ઊજવી રહેલા વિદ્યાર્થીઓ પર એક ઇસ્લામિક સંગઠન પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ વિદ્યાર્થીઓ કોલેજ એડમિનિસ્ટ્રેશનની મંજૂરીથી હોળી ઊજવી રહ્યા હતા. ત્યારે ઇસ્લામી જમિયત તુલબા (IJT)ના કાર્યકર્તાઓએ એ પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી જોડાયેલા કેટલાય વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળ્યું હતું કે હોળી આયોજિત કરનારા હિન્દુ સમુદાયના વિદ્યાર્થીઓની મારપીટ કરવામાં આવી હતી.
કેટલાક વિડિયો સામે આવ્યા છે, જેમાં સુરક્ષા ગાર્ડ ડંડાથી વિદ્યાર્થીઓની મારપીટ કરી રહ્યા હતા. સિંધ પરિષદના મહાસચિવ કાશિફ બ્રોહીએ જણાવ્યું હતું કે હિન્દુ સમુદાય અને પરિષદના સભ્યોએ પાકિસ્તાનની યુનિવર્સિટી વહીવટી તંત્રથી મંજૂરી મળ્યા પછી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ ફેસબુક પેજ પર હોળી ઉત્સવનું નિમંત્રણ પોસ્ટ કર્યું હતું, જે પછી IJT કાર્યકર્તાઓએ તેમને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સિંધ કાઉન્સિલ અને હિન્દુ સમુદાયના સભ્ય હોળી ઊજવવા માટે પીયુ લો કોલેજની બહાર એકત્ર થયા હતા. ત્યારે IJT કાર્યકર્તાઓએ બંદૂક અને લાકડીઓની તેમના પર હુમલો કરી દીધો હતો.
બ્રોહીએ કહ્યું હતું કે હિન્દુ સમુદાય અને સિંધ કાઉન્સિલના 15 વિદ્યાર્થીઓને અથડામણમાં ઇજા થઈ હતી. અને તેઓ કાર્યક્રમ ઊજવ્યા વિના ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ એ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થી પ્રદર્શન માટે કુલપતિ કાર્યાલયની બહાર એકત્ર થયા તો સુરક્ષા ગાર્ડે લાકડીઓથી વિદ્યાર્થીઓને મારવાનું શરૂ કર્યું હતું.