ભારતના દરિયામાં જહાજ પર હુમલો કર્યાના અમેરિકાના દાવાને ઈરાનનો રદિયો

તેહરાનઃ ગયા અઠવાડિયે અરબી સમુદ્રમાં ભારતીય સમુદ્રકાંઠા (પોરબંદર) નજીક ‘એમ.વી. કેમ પ્લૂટો’ નામના એક કેમિકલ ટેન્કર જહાજ પર કરાયેલા હુમલાનું ડ્રોન ઈરાનમાંથી છોડવામાં આવ્યું હોવાના અમેરિકાએ કરેલા દાવાને આજે ઈરાને નકારી કાઢ્યો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્યાલય પેન્ટેગોનના દાવાને ઈરાનના વિદેશ મંત્રાલયે ‘પાયાવિહોણો’ કહીને ફગાવી દીધો છે.

પેન્ટેગોને ગયા શનિવારે એમ કહ્યું હતું કે રસાયણોથી ભરેલું એક જહાજ અરબી સમુદ્રમાં ભારતીય સમુદ્રકાંઠા નજીકમાં હતું ત્યારે ઈરાનમાંથી છોડવામાં આવેલું એક ડ્રોન તેની પર પડ્યું હતું. તે ડ્રોન પડતાં જ જહાજમાં ધડાકો થયો હતો અને આગ લાગી હતી. એ વખતે જહાજ પર 20 ભારતીય અને એક વિયેટનામીઝ ખલાસી સહિત 21 જણ હતા. જહાજ પર આગ લાગી હોવાના સમાચાર મળતાં ભારતીય કોસ્ટગાર્ડે તેના જવાનો સાથેનું એક જહાજ ‘કેમ પ્લૂટો’ જહાજની મદદ માટે મોકલ્યું હતું. સદ્દભાગ્યે ‘કેમ પ્લૂટો’ પરની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ ખલાસીને ઈજા પણ થઈ નહોતી.