ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે. પાકિસ્તાનની સરકાર દ્વારા જારી થયેલા આંકડા અનુસાર શોર્ટ ટર્મ ઇન્ફ્લેશન ચાર મહિનામાં સૌપ્રથમ વાર 40 ટકાને પાર થયો છે. આ કિંમતોમાં થયેલો વધારો વધતા ગેસના ભાવને કારણે થયો છે. ગેસની કિંમતો ગયા વર્ષની તુલનાએ 1100 ટકા વધી ગયા છે.
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી આંકડા અનુસાર 16 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં મોંઘવારી દર ગયા વર્ષની સરખામણીએ 41.9 ટકા રહ્યો છે. એ દરમ્યાન ગેસની કિંમતો 1100 ટકા વધી છે. ઘઉંના લોટની કિંમતમાં 86.4 ટકા, મરચાં પાઉડર 82 ટકા, પોણિયા બાસમતી ચોખામાં 77 ટકા, ચામાં 55 ટકા અને સુગર 50 ટકા મોંઘી થઈ ગઈ છે. બીજી બાજુ ડુંગળીની કિંમત ગયા વર્ષની તુલનાએ 36 ટકા, ટામેટાં 14 ટકા, સરસિયાનું તેલ ચાર ટકા, ઘી બે ટકા અને ચણાની દાળમાં નોંધપાત્ર સસ્તી થઈ છે.
પાકિસ્તાનમાં શોર્ટ ટર્મ ઇન્ફલેશનમાં સાપ્તાહિત ધોરણે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે ગેસની કિંમતોમાં 480 ટકા, ચાની કિંમતોમાં નવ ટકા અને મસૂરમાં 5.3 ટકા, મીઠામાં 2.9 ટકા, બટાટામાં બે ટકાનો વધારો થયો હતો, જ્યારે સાપ્તાહિક આધારે વીજળીના દરોમાં 16 ટકા, ટામેટાંની કિંમતોમાં 11 ટકા, સુગરમાં ચાર ટકા અને ડીઝલ 2.2 ટકા સસ્તું થયું હતું.
પાકિસ્તાનના 17 શહેરોનાં 50 બજારોમાં હાલ 51 કોમોડિટીની કિંમતો સામેલ કરવામાં આવે છે. વાર્ષિક આધારે ફુગાવાના દર 48.35ની મહત્તમ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જે મે મહિના પ્રારંભે પહોંચ્યો હતો. સપ્ટેમ્બરમાં મોંઘવારી દરમાં સુધારો થયો હતો, પરંતુ એ 29 ટકાની ઉપર હતો અને હવે એ 40 ટકાને પાર પહોંચ્યો છે.