ગાઝામાં યુદ્ધ વિરામનો UNમાં પ્રસ્તાવઃ ઇઝરાયેલનો માનવાથી ઇનકાર

વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UN)એ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં તત્કાળ અટકાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ગાઝામાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો આ પ્રકારનો પહેલો પ્રસ્તાવ છે. 15 સભ્યોવાળી કાઉન્સિલનો આ પ્રસ્તાવ 12-0થી પાસ કરવામાં આવ્યો છે. જોકે ઇઝરાયેલે આ પ્રસ્તાવ માનવાથી ઇનકાર કર્યો છે.

ઇઝરાયેલે કહ્યું હતું કે બંધકોને છોડાવ્યા વિના એ હમાસને હુમલાથી બચવા માટે કોઈ રાહત નહીં આપે. આમ પણ ગાઝા પટ્ટીમાં હવે જરૂરૂ ચીજવસ્તુઓની કોઈ અછત નથી. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલ સેનાની ઘેરાબંધી અને હુમલાને પગલે ગાઝા પટ્ટીના 23 લાખ લોકોને જરૂરી ચીજવસ્તુઓની ખેંચ ભોગવવી પડી હતી. એટલે સીમિત યુદ્ધવિરામ લાગુ કરીને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે પગલાં લેવાવાં જોઈએ.UNના આ પ્રસ્તાવના મતદાનમાં અમેરિકા, રશિયા અને બ્રિટને ભાગ નહોતો લીધો. અમેરિકા અને બ્રિટને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રશિયાએ માનવીય આધારે સ્થાયી યુદ્ધવિરામની માગનો વિરોધ કરીને મતદાનમાં ભાગ નહોતો લીધો. વળી, આ પ્રસ્તાવમાં સંઘર્ષ વિરામ અને હમાસ તરફથી સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો.

બીજી બાજુ પેલેસ્ટેનિયન શરણાર્થીઓ માટે UN રાહત અને કાર્ય એજન્સીએ બળતણની અછતને કારમે મધ્ય અને દક્ષિણી ગાઝાપટ્ટીમાં અનેક પેયજળો અને સીવેજ સુવિધાઓને સસ્પેન્ડ કરવાની ઘોષણા કરી છે. ગાઝા શહેરને ઇઝરાયેલની ઘેરાબંધીને કારણે જરૂરી ચીજવસ્તુઓ અને બળતણના સપ્લાયમાં અડચણ થવાને કારણે માનવીય સંકટ ઊભું થયું છે.