ન્યૂ યૉર્કના આઈકોનિક ટાઈમ સ્કવેર વિસ્તારમાં અમેરિકામાં વસતા ભારતીયોએ કરેલા ‘બૉયકોટ ચાઈના’ વિરોધપ્રદર્શનના પડઘા અમેરિકાનાં અન્ય રાજ્યોમાં પણ પડ્યા…
-કેતન મિસ્ત્રી (મુંબઈ)
મારા જેવા અનેક પ્રવાસપ્રેમીઓએ વર્ષોથી જાણે એક બાધા રાખી છેઃ અમેરિકાની સફર દરમિયાન એક દિવસ ન્યૂ યૉર્કમાં કમ્પલસરી વિતાવવાનો. લેખન-પત્રકારત્વ-કલાપ્રેમી-નાટકચેટકવાળાને આકર્ષતા ન્યૂ યૉર્કમાં કંઈ ન કરો ને ખાલી ગગનચુંબી ઈમારતો, બ્રાન્ડેડ ચીજવસ્તુના શોરૂમ, પીળી ટૅક્સી ને રસ્તાની બન્ને કોર વહેતા માનવમહેરામણને જોયા કરો તો પણ દિવસ આખો પસાર થઈ જાય.
-અને પેલો જગવિખ્યાત ટાઈમ સ્કેવર વિસ્તાર. એક જમાનામાં અહીં ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ છાપાની ઑફિસ હતી તેથી તે એરિયા ટાઈમ સ્ક્વેર તરીકે ઓળખાય, જ્યાં દુનિયાભરના પ્રવાસી લટાર મારતા નજરે ચડે. જો કે હાલ કોરોનાના કમઠાણને લીધે ભાગ્યે જ કોઈ ચહલપહલ અહીં વરતાય છે, પણ તેમ છતાં અમેરિકાના સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ અથવા ત્રીજી જુલાઈની ભરબપોરે ઑલમોસ્ટ લૉકડાઉન જેવી પરિસ્થિતિમાં ટાઈમ સ્ક્વેર ‘ભારત માતા કી જય’ તથા ‘બૉયકોટ ચાઈના’ જેવા ઉદઘોષથી ગુંજી ઊઠ્યો. હકીકતમાં ન્યૂ યૉર્ક અને એની આસપાસ વસતા ભારતીયોએ ત્યાં ચીન સામે દેખાવનું આયોજન કરેલું. સૌ જાણે છે એમ, લડાખના ગલવાનમાં મીંઢા ચીના સૈનિકો સાથેની મૂઠભેડમાં ભારતના 20 બહાદુર જવાનો શહીદ થયા ને 76 જેટલા ઘાયલ થયા. આથી ઉશ્કેરાયેલા ભારતીયોએ ઠેર ઠેર દેખાવ કર્યા, ચાઈનીસ મોબાઈલ ઍપ્સ અનઈન્સ્ટોલ કરી, સરકારે એવી 59 ‘મેડ ઈન ચાઈના’ ઍપ્સ અથવા ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો…
એ જ રીતે અમેરિકામાં વસતા દેશપ્રેમી ભારતીયોએ ટાઈમ સ્કેવર પર દેખાવો યોજીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. આમ તો ન્યૂ યૉર્કના પોલીસ કમિશનરે પચાસેક લોકોને જ ઉપસ્થિત રહેવાની અનુમતિ સોશિયલ ડિસ્ટંન્સિંગ તથા અન્ય નિયમ પાળવાની શરતે આપેલી, પણ જોતજોતાંમાં સોથી વધુ ભારતીયો ‘સમય ચૉક’ પર ઊમટી પડ્યા.
ન્યૂ યૉર્ક-ન્યૂ જર્સી-કનેટિકટ એમ ટ્રાઈસ્ટેટ તરીકે ઓળખાતા આસપાસના ત્રણ રાજ્યનાં વિવિધ ભારતીય મંડળનાં પ્રતિનિધિ વર્લ્ડ ઑર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત આ બૉયકોટમાં ‘રાજસ્થાન ઍસોસિયેશન ઑફ નૉર્થ અમેરિકા’, ‘ડાયમંડ ઍસોસિયેશન’, ‘જયપુર ફૂટ’, ‘ઓવરસીસ કૉન્ગ્રેસ’, ‘ગુજરાતી સમાજ’, ‘એફઆઈએ’, ‘જૈન સમાજ’, વગેરે જેવાં અનેક મંડળ જોડાયાં. આ વિરોધ પ્રદર્શનમાં ચાઈનીસ ચીજવસ્તુનો બૉયકોટ કરવાની હાકલ પણ કરવામાં આવી, જે આસપાસના ચપટા નાકવાળા ચીના દુકાનદારોએ અચંબિત થઈને જોઈ-સાંભળી!