અમેરિકામાં કરિયાણા સ્ટોરમાં લૂંટારાઓએ ભારતીય વિદ્યાર્થીને ઠાર કર્યો

વોશિંગ્ટન – અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક કરિયાણા (grocery)ના સ્ટોરમાં બે શસ્ત્રધારી લૂંટારાએ એક ભારતીય વિદ્યાર્થીને ઠાર કર્યો હોવાની ઘટના બની છે. બે હુમલાખોર લૂંટારામાંનો એક જણ ભારતીય મૂળનો હતો.

આ ઘટના ગયા સોમવારે રાતે બની હતી. ૨૦ વર્ષનો ધરમપ્રીત સિંહ જસ્સર નામનો યુવક મડેરા સિટીમાં એક પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલા ટેકલ બોક્સ સ્ટોરમાં એની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે લૂંટારા સ્ટોરમાં ત્રાટક્યા હતા. એમાંના એક જણે જસ્સર પર અનેક ગોળીઓ છોડી હતી.

હુમલાખોરો ત્યારબાદ સિગારેટના કેટલાક મોટા બોક્સ તથા રોકડ રકમ લઈને ભાગી ગયા હતા.

ધરમપ્રીત સિંહ જસ્સર

એક ગ્રાહકે જસ્સરનો મૃતદેહ ભોંય પર પડેલો જોયા બાદ પોલીસને આ હુમલાની જાણ કરી હતી.

જસ્સર પંજાબથી આવ્યો હતો અને તે એકાઉન્ટિંગનો વિદ્યાર્થી હતો. એ સ્ટુડન્ટ વિઝા પર ત્રણેક વર્ષ પહેલાં અમેરિકા આવ્યો હતો.

પોલીસે ૨૧ વર્ષના અમ્રિતરાજ સિંહ અઠવાલની ધરપકડ કરી છે. જસ્સરની હત્યા કરનારો તે જ હોવાની શંકા છે.

સ્થાનિક પોલીસો અને ડિટેક્ટિવ્સનું કહેવું છે કે ઘટનાસ્થળેથી ભાગેલા શકમંદો અને અઠવાલનો ચહેરો ઘણો મળતો આવે છે.

અઠવાલની કારની તપાસ દરમિયાન પોલીસને રજિસ્ટર ન કરાયેલી પોઈન્ટ 38 કેલિબરની રીવોલ્વર છે, પોઈન્ટ 22 કેલિબરની એસોલ્ટ પિસ્તોલ મળી આવી હતી જેની અગાઉ ચોરી કરાઈ હોવાની ફરિયાદ કરાઈ હતી. તે ઉપરાંત ડિટેક્ટિવ્સ સ્ટોર ખાતે લૂંટની ઘટના વખતના સીસીટીવી ફુટેજનો પણ અભ્યાસ કરી રહ્યા છે.

અઠવાલની કાર કોઈક બીજાના નામે રજિસ્ટર થઈ છે.

મડેરા સિટીના શેરીફ જેય વોર્નીનું કહેવું છે કે ધરમપ્રીત જસ્સર સાવ નિર્દોષ હતો. સ્ટોરમાં એ પોતાની ફરજ બજાવી રહ્યો હતો. લૂંટારાઓએ એને નિર્દયતાપૂર્વક મારી નાખ્યો હતો.

ડિટેક્ટિવ્સ બીજા શકમંદની શોધ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]