વકર્યો ‘પદ્માવતી વિવાદ’: દીપિકાનું નાક કાપવાની, ભણસાલીનું માથું વાઢી નાખવાની ધમકી

કોટા (રાજસ્થાન) – ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની પદ્માવતી ફિલ્મ વિશે થયેલો વિવાદ ઉગ્ર બન્યો છે. શ્રી રાજપૂત કરણી સેનાના એક સભ્યએ ફિલ્મની અભિનેત્રી દીપિકા પદુકોણનું નાક કાપી નાખવાની ધમકી આપી છે, મેરઠના એક નેતાએ ભણસાલીનું માથું વાઢી લાવનારને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે તો આ ફિલ્મ જ્યારે રિલીઝ થવાનું નિર્ધારિત છે તે આવતી ૧ ડિસેમ્બરે ભારત બંધ કરવાનું એલાન પણ કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશની સરકારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને લેખિતમાં જણાવ્યું છે કે પદ્માવતી ફિલ્મને સેન્સર બોર્ડ સર્ટિફિકેટ આપે એ પહેલાં આ ફિલ્મના મામલે લોકોમાં ઊભા થયેલા આક્રોશ પર ધ્યાન આપવામાં આવે.

શ્રી રાજપૂત કરણી સેનાના સભ્ય મહિપાલ સિંહ મકરાનાએ એક સેલ્ફ-વિડિયોમાં જણાવ્યું છે કે રાજપૂત લોકો ક્યારેય કોઈ મહિલા પર હાથ નહીં ઉપાડે, પણ જો જરૂર લાગશે તો અમે જેમ લક્ષ્મણે સુર્પણખા સાથે કર્યું હતું એવું અમે દીપિકા સાથે કરીશું.

શ્રી રાજપૂત કરણી સેનાના વડા લોકેન્દ્ર સિંહ કળવીએ પણ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેઓ આવતી ૧ ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરશે. અમે લાખોની સંખ્યામાં એકત્ર થઈશું, અમારા પૂર્વજોએ લોહીથી જે ઈતિહાસ લખ્યો છે એને કોઈ બગાડી નાખે એ જરાય ચલાવી નહીં લઈએ. અમે ૧ ડિસેમ્બરે ભારત બંધની હાકલ કરીશું.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષના આરંભમાં જયપુરમાં જ્યારે પદ્માવતી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે રાજપૂત કરણી સેનાના સભ્યોએ ભણસાલી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આ જ સંગઠનના સભ્યોએ મહારાષ્ટ્રમાં આ ફિલ્મના સેટને આગ લગાડી હતી.

કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પણ ભણસાલીની ટીકા કરી છે અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે કહ્યું છે કે જો ફિલ્મના દ્રશ્યો કોઈ ચોક્કસ સમુદાયની લાગણીને દુભાવે એવા હોય તો એ વિશે ફેરવિચારણા કરવી જોઈએ.