અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાઈ

લોસ એન્જેલીસ: હરિયાણાના કરનાલ જિલ્લાના વતની અને અમેરિકામાં રાજ્યાશ્રય માગનાર એક ભારતીય યુવકની અહીંના એક ગ્રોસરી સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

આ ઘટના ગયા શનિવારે સ્થાનિક સમય મુજબ, સવારે બની હતી. એક અજાણી વ્યક્તિએ મનિન્દર સિંહ સાહી નામના વિદ્યાર્થીને ગોળી મારી હતી. હુમલાખોર બાદમાં ફરાર થઈ ગયો હતો.

મૃતક મનિન્દર સિંહે હજી ગયા જ મહિને પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. એ પરિણીત હતો અને એને બે સંતાન છે. એ કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જેલીસના વિટ્ટીયર સિટીમાં 7-ઈલેવન ગ્રોસરી સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો.

મનિન્દર સાહી હજી છ મહિના પહેલા જ અમેરિકામાં આવ્યો હતો અને એણે રાજકીય આશ્રય માગ્યો હતો. એ તેના પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો. એ અમેરિકામાં કરેલી કમાણી કરનાલમાં રહેતા તેના માતા-પિતા, પત્ની અને 9 તથા પાંચ વર્ષની વયનાં બે બાળકો માટે મોકલતો હતો, એમ અમેરિકામાં રહેતા તેના સગાંઓએ કહ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, હત્યાની ઘટના શનિવારે વહેલી સવારે લગભગ 5.45 વાગ્યે બની હતી.

પ્રાથમિક રીતે એવું જણાયું છે કે શકમંદ લૂંટના ઈરાદે સેમી-ઓટોમેટિક ગન સાથે સ્ટોરમાં પ્રવેશ્યો હતો. કોઈક અકળ કારણસર એણે તેની હેન્ડગનમાંથી મનિન્દર સિંહ પર ગોળી છોડી હતી.

પોલીસે હુમલાખોર શકમંદનું એક ચિત્ર રિલીઝ કર્યું છે.

એ સ્ટોરમાંથી રોકડ રકમ લઈને ભાગી ગયો હતો.

હુમલાખોર ત્રાટક્યો હતો એ વખતે સ્ટોરમાં બે ગ્રાહક પણ હતા. એ બંને જણ ઘાયલ થયા છે.

શકમંદ અશ્વેત પુરુષ હતો. એણે પોતાનો ચહેરો અડધો ઢાંકેલો રાખ્યો હતો.

મૃતકના ભાઈએ મનિન્દરના મૃતદેહને ભારત પાછો મોકલી શકાય એ માટે ભંડોળ ઊભું કરવા એક અપીલ પેજ પણ બનાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]