લંડનઃ બ્રિટનમાં ભારતીય મૂળના અને ખૂબ જ સમર્પિત તરીકે જાણીતા સર્જન ડો. જિતેન્દ્ર રાઠોડનું ખતરનાક કોરોના વાઈરસ બીમારીને કારણે અવસાન થયું છે.
મેટ્રો અખબારના અહેવાલ મુજબ, ડો. જિતેન્દ્ર રાઠોડ કાર્ડિફમાં યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સમાં કાર્ડિયો-થોરેસિક સર્જરીના એસોસિએટ સ્પેશિયાલિસ્ટ હતા.
સોમવારે વહેલી સવારે એમનું આ જ હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં અવસાન થયું હતું.
ડો. રાઠોડના નિધનના સમાચાર કાર્ડિફ એન્ડ વેલ યુનિવર્સિટી હેલ્થના બોર્ડે રિલીઝ કર્યા હતા.
બોર્ડે કહ્યું કે ડો. જિતેન્દ્ર રાઠોડનું નિધન થયાના સમાચાર આપતાં અમે ઘેરા દુઃખની લાગણી અનુભવીએ છીએ. ડો. રાઠોડ 1990ના મધ્યભાગથી કાર્ડિયો-થોરેસિક સર્જરી વિભાગમાં કામ કરતા હતા. થોડોક સમય સુધી વિદેશમાં રહ્યા બાદ 2006માં તેઓ ફરીથી આ હોસ્પિટલમાં જોડાયા હતા.
બોર્ડે વધુમાં કહ્યું છે કે ‘જિતુ’ તરીકે જાણીતા ડો. રાઠોડ ખૂબ જ નિષ્ઠાવંત સર્જન હતા, જેઓ એમના દર્દીઓની અત્યંત સંભાળ લેતા હતા. દર્દીઓમાં તેઓ ખૂબ જ આદરણીય હતા.
રાઠોડના પરિવારમાં એમના પત્ની અને બે પુત્ર છે.
બ્રિટનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં 5,373 જણનો ભોગ લીધો છે. આ ચેપના 51,600થી વધારે કેસ નોંધાયા છે.