દુનિયા લોકડાઉન છે ત્યારે વુહાન ધમધમ્યું!

વુહાનઃ ચીનના વુહાન શહેરથી પ્રસરેલો ભયાનક એવો કોરોના વાયરસ આજે દુનિયાભરમાં સનસનાટી મચાવી રહ્યો છે. આ વાયરસે અત્યાર સુધીમાં 80 હજારની આસપાસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 15 લાખને પણ પાર કરી ગઈ છે. દુનિયા આખીમાં લગભગ લોકડાઉન છે ત્યારે ચીનનું વુહાન શહેર ફરી ધમધમતુ થવા જઈ રહ્યું છે.

ચીનના વુહાન શહેરમાં 76 દિવસ બાદ લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે. આજે બુધવારની રાતથી વુહાનના લોકો લોકડાઉનમાંથી આઝાદ થશે. કોરોનના કેસ સામે આવ્યા બાદ 23 જાન્યુઆરીથી વુહાન શહેરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી શહેરની 11 મિલિયન વસ્તીએ પોતાના ઘરમાં જ કેદ થઈને રહેવા મજબુર થવુ પડ્યું હતું.

વુહાનમાં કોરોના વાઈરસના સૌથી વધારે મોત થયા છે. ગત અઢી મહિનાથી લોકડાઉનમાં રહેલું આ શહેર ફરીથી પેહેલાની જેમ દોડી શકશે. વાહનવ્યવહારની તમામ સુવિધાઓ શરૂ થઈ જશે. રેલવે અને વિમાન સેવા પૂર્વવત થશે, તેમજ લોકો પોતાના વાહનોમાં બેસીને શહેર બહાર જઈ શકશે.

ચીન સરકારે આ નિર્ણય મંગળવારે મોતનો એક પણ કિસ્સો સામે નહી આવ્યા બાદ લીધો છે. 1.1 કરોડની વસ્તીવાળા આ શહેર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત હતું. ચીનના કુલ 82 હજાર કોરોના સંક્રમિતોમાંથી 50 હજાર આ શહેરમાં હતા. કુલ 3331 મૃતકોમાંથી 2500ના મોત તો માત્ર વુહાન શહેરમાં જ થયા હતા.

વુહાન શહેરને ખોલવા છતાં અહીં નિયંત્રણકારી ઉપાયોને યથાવત રાખવામાં આવશે. આ શહેરે ઈતિહાસનું સૌથી મોટું લોકડાઉન જોયું છે. 23 જાન્યુઆરી બાદ આ લોકડાઉન વધારે કડક બનતુ ગયું હતું. વાઈરસના ફેલાવ સાથે લોકડાઉન પણ સંપૂર્ણ હૂબેઈ પ્રાંતમાં લાગૂ કરી દેવામાં આવ્યું અને 6 કરોડ લોકો ઘરમાં કેદ થયાં હતા. જોકે હવે 76 દિવસ બાદ વુહાનવાસીઓને આઝાદી મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]