નવી દિલ્હીઃ ભારતે હવે કેનેડા પર આકરું વલણ લીધું છે. ભારતે જસ્ટિન ટ્રુડોના નવા આરોપો પર કેનેડાના એમ્બેસેડરને સમન્સ જારી કર્યા છે. આ પહેલાં ભારતે કેનેડાના બેબુનિયાદ આરોપ ગણાવીને ફગાવ્યા હતા, જેમાં ઓટાવામાં ભારતીય એમ્બેસેડરને શીખ હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસથી જોડવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતને કેનેડાથી એક પત્ર મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય એમ્બેસેડર અને અન્ય અધિકારીઓ એ દેશમાં તપાસ સંબંધિત મામલે નિગરાનીવાળી વ્યક્તિ છે. ભારત સરકારે આ ખોટા આરોપોને દ્રઢતાપૂર્વક ફગાવ્યા હતા અને એને ટ્રુડો સરકારના રાજકીય એજન્ડા માટે જવાબદાર ઠેરવ્યા હતા. જે મતબેન્કના રાજકારણ પર કેન્દ્રિત છે. ભારત હવે ભારતીય અધિકારીઓની વિરુદ્ધ આરોપો લગાવવાના કેનેડા સરકારના નિતનવા પ્રયાસોના જવાબમાં અધિકાર સુરક્ષિત રાખે છે.
વડા પ્રધાન ટ્રુડોએ સપ્ટેમ્બર, 2023માં કેટલાક આરોપો લગાવ્યા હતા. એટલે કેનેડા સરકારે અમારી વિનંતી છતાં ભારત સરકારની સાથે પુરાવાનો એક અંશ પણ શેર નહોતો કર્યો. એનાથી કોઈ સંદેહ નથી કે તપાસને બહાને રાજકીય લાભ માટે એ ભારતને બદનામ કરવા માટે જાણીબૂજીને રચવામાં આવેલી વ્યૂહરચના છે. PM ટ્રુડોનો ભારત પ્રત્યે દ્વેષપૂર્મ સ્વભાવ લાંબા સમયથી સ્પષ્ટ છે અને તેમનો ભારતીય અધિકારીને ફસાવવાનો આ કારસો છે.
તેમની સરકાર એક રાજકીય પક્ષ પર નિર્ભર છે, જેના નેતા ભારતના અલગાવવાદી વિચારધારાને ટેકો આપે છે, જેનાથી મામલો વધુ બગડ્યો છે, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું.