UNSCમાં સુધારા માટે ભારતે રજૂ કર્યો G4 દેશોનો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં G4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે  ‘ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં રુચિરા કંબોજે G4 દેશો બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારત તરફથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા વર્તમાન 15થી વધારીને 25-26 કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત છ કાયમી સભ્યો અને ચાર-પાંચ હંગામી સભ્યોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. સાથે ભારતે ‘છ નવા સ્થાયી સભ્યોમાંથી બે આફ્રિકન રાજ્યો અને એશિયા પેસિફિકના દેશો દ્વારા, એક લેટિન અમેરિકન દેશો અને કેરેબિયન દેશો દ્વારા અને એક પશ્ચિમ યુરોપિયન દેશો અને અન્ય દેશો દ્વારા પ્રસ્તાવિત થવા જોઈએ’ તેવું કહ્યું છે.

આ સિવાય તેમણે એમ પણ કહ્યું છે કે સુરક્ષા પરિષદની વર્તમાન વ્યવસ્થામાં કાયમી અને અસ્થાયી એમ બંને વર્ગોમાં પ્રતિનિધિત્વનો અભાવ છે. આ કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલું અસરકારક નથી અને વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે આમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. પ્રતિનિધિત્વના અભાવને અવગણીને કોઈ સુધારો શક્ય નથી અને ખાસ કરીને સ્થાયી કેટેગરીમાં ભારે અસંતુલન છે અને તેના કારણે સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે.

ભારત દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં વીટો અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવા સ્થાયી સભ્યો પાસે પણ વર્તમાન સભ્યોની જેમ જ જવાબદારીઓ અને અધિકારો હશે, પરંતુ તેઓ કોઈ પણ મુદ્દા પર સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ જ વીટોનો નિર્ણય લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલમાં માત્ર પાંચ દેશો પાસે જ વીટો પાવર છે જેમાં ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.