2022માં H-1B વિઝા માટે વ્યક્તિગત-ઈન્ટરવ્યૂ નહીં: અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકા તથા સમગ્ર યુરોપ ખંડમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી જતાં અમેરિકાએ જાહેરાત કરી છે કે વર્ષ 2022માં H-1B તથા અન્ય નિશ્ચિત કરાયેલા નોન-ઈમિગ્રન્ટ વિઝાની અરજીઓ માટે વ્યક્તગિત ઈન્ટરવ્યૂની આવશ્યક્તાને કામચલાઉ ધોરણે રદ કરવામાં આવી છે. કોન્સ્યૂલર અધિકારીઓ હવે કામચલાઉ ધોરણે વિઝાની લગભગ ડઝન જેટલી કેટેગરીમાં વ્યક્તિગત ઈન્ટરવ્યૂ પદ્ધતિ બંધ કરશે. આમાં H-1B વિઝા, સ્ટુડન્ટ માટેના વિઝા, કામચલાઉ એગ્રિકલ્ચરલ અને નોન-એગ્રિકલ્ચરલ કામદારો માટેના વિઝા, સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર્સ વિઝા, એથ્લીટ્સ, કલા-કારીગરો તથા મનોરંજન પૂરું પાડનારાઓ માટેના વિઝાનો સમાવેશ થાય છે.

એક નિવેદનમાં, અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 રોગચાળો ત્રીજા વર્ષમાં ખેંચાઈ ગયો છે ત્યારે અમેરિકી સરકારના આ નિર્ણયથી અરજદારોને ઘણી રાહત થશે અને વિઝા માટેનો પ્રતીક્ષા સમય ઘટી જશે. કોરોના રોગચાળાને કારણે વિદેશ વિભાગની વિઝા પ્રોસેસ કરવાની ક્ષમતામાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. વિશ્વસ્તરે પ્રવાસ પ્રવૃત્તિઓમાં ફરી ઉછાળો આવ્યો છે. તેથી વિઝા પ્રતીક્ષા સમયમાં સુરક્ષિત અને અસરકારક રીતે ઘટાડો થાય એ માટે અમારી પ્રતિબદ્ધતાને લક્ષમાં રાખીને આ પગલાં કામચલાઉ ધોરણે લઈ રહ્યા છીએ. જોકે સાથોસાથ, રાષ્ટ્રીય સુરક્ષાની બાબત અમારે માટે ટોચની પ્રાથમિક્તા તરીકે ચાલુ જ રહેશે.