ચીનની હસ્તીઓને ટેક્સનાં બાકી લેણાં ચૂકવવા સામે લાલ આંખ

બીજિંગઃ ચીનમાં કર સત્તાવાળાઓએ ટેક્સની મુદત વીતી ગયા છતાં જેમણે ટેક્સ નથી ભર્યો એવી મનોરંજન ક્ષેત્રની અને સોશિયલ મિડિયાને પ્રભાવિત કરનાર હસ્તીઓ સામે લાલ આંખ કરી છે અને તેમને ટેક્સ 10 દિવસમાં ચૂકવી દેવા નિર્દેશ આપ્યો છે, સરકારે કરચોરી કરનારી હસ્તીઓ પર નકેલ કસવા માટે એક સરકારી કેમ્પેન ચલાવ્યું છે. બીજિંગે મનોરંજન ઉદ્યોગમાં ટેક્સ ચોરી અને ગેરકાયદે વ્યવહાર કરવાવાળા સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં વિભાગે દેશના મોટા સ્ટાર્સને નિશાન બનાવ્યાં છે.

ટેક્સ વિભાગે દેશમા બીજિંગ, શાંઘાઈ, ગ્વાંગડોંગ, ઝિયાંગસુ શહેરોમાં  કેટલાંય એન્ટરટેઇનમેન્ટનાં મથકોમાં હસ્તીઓને મુદત વીતી ગયા છતાં ટેક્સ નહીં ભરવા બદલ ચેતવણી ઉચ્ચારી છે, જો તેમણે વર્ષના અંત સુધીમાં ટેક્સ નહીં ભર્યો તો તેમની ગેરકાયદે કમાણી પર દંડ લાગશે- સરકારે આ સંબંધે બુધવારે એક નોટિસ પણ જારી કરી છે.

જોકોઈ આત્મનિરીક્ષણ અને સ્વૈચ્છિક રીતે હજી પણ ટેક્સ નહીં ભરે તો તેની સામે કર વિભાગ ગંભીરતાથી કાર્યવાહી કરશે, એમ ગ્વાંગડોંગ ટેક્સ ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું.

આ ઓર્ડર ચીનની લાઇવસ્ટ્રિમિંગ ક્વીન હુઆંગ વેઇને 20 કરોડ ડોલરનો દંડ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો એના પછી આપવામાં આવ્યો છે. જેના એક દિવસ પછી  હુઆંગ વેઇના 11 કરોડથી વધુ ફોલોઅર્સવાળાં તેમનાં સોશિયલ મિડિયા અકાઉન્ટ બંધ થયાં હતા. આ ઉપરાંત ચાઇનીઝ એકટ્રેસિસ ઝેંગ શુઆંગ પર પણ ઓગસ્ટમાં ટેક્સ ચોરી બદલ 46 લાખ ડોલરનો દંડ લગાવવામાં આવ્યો હતો.